(એજન્સી) પટના, તા.પ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું હતું કે, તેમની આગેવાનીવાળી એનડીએ સરકારના અથાગ પ્રયાસોને કારણે ઇસ્લામિક દેશોમાં પણ ભારત ઉચ્ચ સ્થાને ઊભું છે. તેમણે પટનાની રેલીમાં કહ્યું કે, છેલ્લા ૫૦ વર્ષમાં પ્રથમવાર ભારતને ઇસ્લામિક દેશોની બેઠકમાં આમંત્રણ અપાયું. આ ૫૦ વર્ષ દરમિયાન ભારતમાં કોંગ્રેસ અને તેના સહયોગીઓની સરકારો રહી જ્યાં ૫૭ દેશોના જૂથ ઓઆઇસીમાં વિવિધ વિદેશમંત્રીઓને બોલાવાયા હતા. ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ આ બેઠકમાં પહોંચ્યા હતા. આ જૂથ સંયુક્ત રાષ્ટ્ર બાદ વિશ્વમાં બીજું સૌથી મોટું જૂથ છે. જેણે છેલ્લે ૧૯૬૯માં ભારતને આમંત્રિત કર્યું હતું. સંકલ્પ રેલીમાં મોદીએ પૂર્વની કોંગ્રેસ સરકારો પર આરોપ મૂક્યો હતો કે, તેમણે ઓઆઇસી બેઠકમાં ભારતને આમંત્રણ મળવા અંગે ખાતરી કરવાના પ્રયાસો કર્યા ન હતા. તાજેતરમાં દિલ્હીની મુલાકાતે આવેલા સઉદી પ્રિન્સને મેં કહ્યું કે, તેઓ હજનો ક્વોટા વધારે જેથી વધુ મુસ્લિમો હજ કરવા જઇ શકે. તેમણે આમાં બે લાખ સુધીનો વધારો કર્યો. આવું અન્ય કોઇ દેશ સાથે બન્યું નથી. ભારતનો અવાજ સંભળાયો અને સન્માન અપાયું. તે સમયે મેં સઉદીમાં ભારતીય વસાહતીઓને છોડવા માટે આગ્રહ કર્યો ત્યારે તેમણે તરત જ ૮૫૦ ભારતીય કેદીઓને છોડવાનો નિર્ણય કર્યો. હું તેમનો દિલથી આભારી છું.