(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રપ લાખ ‘ચોકીદારો’ કે સુરક્ષાકર્મીઓ સાથે પોતાના ચૂંટણી પ્રચારના ભાગરૂપે વાતચીત કરતા કહ્યું કે, વિપક્ષના ‘ચોકીદાર ચોર છે’ સૂત્રથી દેશને નુકસાન થશે. વડાપ્રધાને હોળીની શુભકામનાઓ સાથે પોતાની વાતની શરૂઆત કરતા કહ્યું કે, આપ સૌ જ્યાં કામ કરો છો ત્યાં તમારું નામ પણ લોકો જાણતા નથી. પરંતુ તમે કોઈની પણ ચિંતા વિના પોતાનું કામ યથાવત રાખો છો.
એક મહિલા કર્મીના પ્રશ્નનો જવાબ આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સાંભળીને સારું લાગે છે કે, મહિલાઓ પણ આ કામમાં પોતાની ભાગીદારી નોંધાવી રહી છે. મોદીએ કહ્યું કે, આજે ચોકીદારનો અર્થ બદલાઈ ચૂક્યો છે. દેશમાં ઈમાનદારીનો સમાનાર્થી બની ગયો છે ચોકીદાર. હું આપ તમામ ચોકીદારોની માફી માંગું છું કારણ કે કેટલાક લોકોએ પોતાના અંગત સ્વાર્થ માટે છેલ્લા કેટલાક મહિનાઓથી કશું સમજ્યા વિચાર્યા વિના ચોકીદારને ચોર કહી, ચોકીદારોની તપસ્યા સામે પ્રશ્ન કર્યો છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ચોકીદાર દરેક જગ્યાએ છે. ડોક્ટર આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે તો તે પણ ચોકીદાર. નાનામાં નાનો કર્મી જે પોતાનું કામ ઈમાનદારીથી કરે છે તે ચોકીદાર છે.