(એજન્સી) મુંબઇ, તા. ૨૪
વડાપ્રધાન મોદીએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને આપેલા એક ખાસ ઇન્ટરવ્યૂમાં પોતાની સાથે જોડાયેલી અંગત બાબતોને જાહેર કરી હતી. ઇન્ટરવ્યૂમાં પીએમે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અંગે કહ્યું હતું કે, મમતા દીદી વર્ષમાં આજે પણ મારા માટે એક-બે કૂર્તા મોકલે છે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાજી વર્ષમાં ત્રણ-ચાર વખત ખાસ રીતે ઢાકાથી મારા માટે મિઠાઇ મોકલે છે. જ્યારે મમતા દીદીને ખબર પડી ત્યારે તેઓ પણ વર્ષમાં એક-બે વખત મિઠાઇ જરૂરથી મોકલે છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે આનાથી મને રાજકીય નુકસાન પણ થઇ શકે છે.
વડાપ્રધાન મોદીએ વિપક્ષના નેતાઓ સાથે સંબંધો અંગે કહ્યું કે, અમે લોકો સાથે ભોજન પણ લેતા રહીએ છીએ. આ બાબત સામાન્ય હોય છે. ઘણા સમય પહેલાની વાત છે. હું સંસદમાં ગયો ત્યારે ગુલામનબી આઝાદ સાથે ગપ્પા માર્યા હતા. હું બહાર આવ્યો ત્યારે મીડિયાએ મને સવાલ કર્યો કે, તમે તો આરએસએસવાળા છો તો ગુલામનબી આઝાદ સાથે મિત્રતા કેવી રીતે ત્યારે ગુલામનબી આઝાદે સારો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, બહાર જે તમે લોકો જોઇ રહ્યા છો તેવું નથી. કદાચ અમે ફેમિલી જેમ જોડાયેલા છીએ તેની કોઇ બહાર કલ્પના પણ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વડાપ્રધાન મોદીના કટ્ટર વિરોધી છે. નોટબંધી, જીએસટી અને દરોડા મામલે મમતા બેનરજી પીએમ મોદીને સરમુખત્યારશાહી પણ ગણાવી ચુક્યા છે. જ્યારે પીએમ મોદી પણ મમતા બેનરજીને બંગાળમાં વિકાસ આડે સ્પીડ બ્રેકર કહી ચુક્યા છે.