(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર આવતીકાલે (૩૦મી જાન્યુઆરી) દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમૂર્હુત કરશે. ખાતમૂર્હુત બાદ વડાપ્રધાન મોદી એરપોર્ટ ખાતે સભાને સંબોધન કરશે. સુરત બાદ વડાપ્રધાન મોદી નવસારીના દાંડીમાં કાર્યક્રમમાં હાજરી આપશે. દાંડીના કાર્યક્રમ પૂરો થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પરત ફરશે.
એરપોર્ટના ટર્મિનલ બિલ્ડીંગના એક્સપાન્સના ખાતમૂર્હુત માટે ૩૦મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આવી રહ્યા છે. તે દિવસે એરપોર્ટથી અવર-જવર કરતા પેસેન્જરોને તકલીફ નહીં પડવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જોેતા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મુખ્ય ગેટની બાજુની દીવાલ તોડી નાંખી ત્યાંથી એક કાચો રસ્તો બનાવ્યો છે. જ્યાંથી પેસેન્જરોની ગાડી અવર-જવર કરશે. ૩૦મી જાન્યુઆરીએ સુરત એરપોર્ટનો મુખ્ય ગેટ બંધ રખાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૦મી જાન્યુઆરી સાંજે ૪ કલાકે દાંડી ખાતે ઉપસ્થિત રહેશે. તેઓ હેલિકોપ્ટરમાં દાંડી ઉપસ્થિત થશે. હેલિપેડથી સીધા ગાંધી સ્મારક ખાતે પ્રાર્થના મંદિર પહોંચશે ત્યાંથી નજીકમાં જ સૈફિવીલા ૪ઃ૧૦ કલાકે પહોંચશે. સૈફિવીલાની મુલાકાત બાદ હાલ બનાવાયેલા ‘દાંડી નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કરશે, ત્યારબાદ વડાપ્રધાન સ્મારકની અડધો કલાક મુલાકાત લેશે. ત્યાંથી સાંજે ૪ઃ૪૦ સભા સ્થળે પહોંચી સભા સંબોધશે. સાંજે ૫ઃ૩૦ કલાકે તેઓ દાંડીથી પ્રસ્થાન કરશે. આ કાર્યક્રમને લઈ નવસારી જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરી દેવાઈ છે. દાંડી પંથકમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. લોકો સ્મારક સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામા આવી છે. વડાપ્રધાન મોદીના હસ્તે સુરતના રિંગરોડ ખાતે આવેલી વિનસ હોસ્પિટલને પણ ખુલ્લી મૂકવામાં આવશે. પહેલા આ હોસ્પિટલ સુરતના રામપુરા વિસ્તારમાં હતી, ૧૧૨ વર્ષ જૂની અશાકતાશ્રમની આ હોસ્પિટલ છે. જે હવે રસિલાબેન સેંવતીલાલ શાહ વિનસ હોસ્પિટલના નામથી રિંગરોડ ખાતે ખુલ્લી મૂકવામાં આવશે.
ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાનાર ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં ૧૫ હજાર પ્રોફેશનલ્સને સંબોધન કરશે. જ્યાં સેન્ટ્રલ રિવોલ્વિંગ સ્ટેજ આકર્ષણનું કેન્દ્ર બનશે. દેશમાં પ્રથમવાર પી.એમ. નરેન્દ્ર મોદી રિવોલ્વિંગ સ્ટેજ મારફતે જાહેરજનતાને સંબોધન કરશે. સેન્ટર રિવોલ્વિંગ સ્ટેજના માધ્યમથી ઇન્ડોર સ્ટેડિયમમાં ચારે બાજુ બેઠેલા તમામ લોકો વડાપ્રધાનને નિહાળી શકશે.
વડાપ્રધાન મોદી આજે સુરતમાં નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરશે

Recent Comments