(એજન્સી) નવી દિલ્હી, તા. ૪
વડાપ્રધાન મોદીએ બુધવારે આઈસીએસઆઈના ગોલ્ડન જ્યુબિલી સમારોહને સંબોધિત કરતાં પોતાની સરકારની આર્થિક નીતિઓની આલોચના કરનારને આકરો જવાબ વાળ્યો. મોદીએ કહ્યું કે કેટલાક લોકોને નિરાશા ફેલાવવામા મજા આવતી હોય છે તેમણે કહ્યું કે દેશના વિકાસને વિપરીત દિશામાં લઈ જનાર પેરામીટર કેટલાક લોકોને પસંદ આવે છે અને હવે જ્યારે માપદંડોમાં સુધારો થયો છે અને દેશ સાચી દિશામાં આગળ ધપી રહ્યો છે ત્યારે આવા લોકોના પેટમા તેલ રેડાઈ રહ્યું છે. આવા લોકોને અર્થતંત્રમાં થઈ રહેલો વિકાસ દેખાતો નથી. અર્થતંત્રનો બચાવ કરતાં મોદીએ કહ્યું, નિરાશાવાદીઓએ આર્થિક મંદીનું ‘વતેસર’ કર્યું છે. આર્થિક સુસ્તીના આક્ષેપને ખાળતાં મોદીએ કહ્યું કે વિકાસ દરમાં ૫.૭ ટકાનો ઘટાડો થયો નથી. વડાપ્રધાને એ વાતનો પણ સ્વીકાર કર્યો કે એપ્રિલ-જુન ત્રિમાસિકમાં દેશના આર્થિક વિકાસ દરમાં ઘટાડો થયો છે પરંતુ સાથે આગ્રહપૂર્વક કહ્યું કે સરકાર આ વાતને ઉલટાવી નાખવા કટીબદ્ધ છે. મોદીએ કહ્યું કે ૩ વર્ષથી સરેરાશ ૭.૫ ટકાનો વિકાસ દર હાંસલ કર્યા બાદ અમે સ્વીકારીએ છીએ કે એપ્રિલ-જુન મહિનામાં વિકાસ દરમાં ઘટાડો થયો છે પરંતુ સરકાર તેને ઉલટાવી નાખવા માટે કટીબદ્ધ છે. અગાઉની સરકારો અને આર્થિક મંદીના આલોચનો પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદના ત્રણ વર્ષથી દેશના અર્થતંત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે. વિકાસ સાચી દિશામાં આગળ ધપી રહ્યો છે. તેમણે કહ્યું કે વિદેશમાં જમા કાળા નાણા માટે આકરા કાયદાઓ બનાવવામાં આવ્યાં. જુના ટેક્સ કરારોમાં ફેરફારો કરવામાં આવ્યાં. મોદીએ કહ્યું કે અમે જીએસટી લાગુ પાડ્યો અને નોટબંધીની હિંમત દેખાડી. મોદીએ કહ્યું કે જો જરૂરત પડી તો જીએસટીમા સુધારો કરવામાં આવશે. આજે વિદેશી રોકાણકારો ભારતમાં રેકોર્ડબ્રેક રોકાણ કરી રહ્યાં છે. વિદેશી મુદ્રા ભંડારમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર સુધારા સાથે જોડાયેલા ઘણા નિર્ણયો કર્યો અને આ દિશામાં કામ ચાલી રહ્યું છે. મોદીએ કહ્યું કે આપણા દેશમાં મુઠ્ઠીભર લોકો દેશની પ્રતિષ્ઠા, ઈમાનદાર સામાજિક સંરચનાને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આવા લોકોને સિસ્ટમમાંથી હટાવવા માટે સરરકારે પહેલા જ દિવસથી સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે.