(એજન્સી) ગુરૂવાયુર, તા.૮
કેરળના ગુરૂવાયુરમાં ભાજપના કાર્યકરોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ઉડુપી, ગુરૂવાયુર કે દ્વારકાધીશ હોય અમારા માટે – ગુજરાતના લોકો માટે આ બધા વચ્ચે ભાવનાત્મક સંબંધ છે. દ્વારકાધીશની ધરતી ગુજરાતથી આવવાના નાતે ગુરૂવાયુર તેમને એક ખાસ અનુભવ આપે છે. પીએમ મોદીએ જણાવ્યું કે ચૂંટણીઓ પોતાની જગ્યાએ છે પરંતુ ચૂંટણીઓ પછી ૧૩૦ કરોડ નાગરિકો પ્રત્યે ચૂંટણીઓ જીતનારની એક મહત્વની જવાબદારી હોય છે. જે લોકોએ અમને જીતાડ્યા છે, તેઓ અમારા છે અને જે લોકોએ આ વખતે અમને જીતાડવાનું ચુકી ગયા છે, તેઓ પણ અમારા છે. કેરળ વારણસી જેટલું જ મારૂં છે. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીઓે પહેલા રાજકીય પંડિતો લોકોનો મૂડ પારખવામાં નિષ્ફળ નીવડ્યા છે અને ભગવા પાર્ટીમાં વિશ્વાસ મુકવા બદલ મતદારોનો આભાર. વડાપ્રધાને કહ્યું કે ભાજપના કાર્યકરો ચૂંટણી રાજકારણ માટે કામ કરતા નથી અને અમે દેશ બનાવવા માટે આતુર છીએ અને આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતને તેનું ગૌરવપૂર્ણ સ્થાન મળે, તેની ખાતરી કરીએ છીએ. નિપાહ વાયરસના મુદ્દા અંગે પીએમ મોદીએ કહ્યું કે જરૂરી બધી જ સહાય પુરી પાડવા માટે કેન્દ્ર કેરળ સરકાર સાથે ખભાથી ખભા મિળાવીને કામ કરી રહ્યું છે.