(એજન્સી) બેગુસરાય, તા.૨૦
બેગુસરાયથી લોકસભા સાંસદ અને બિહારમાં ભાજપના કદ્દાવર નેતા ભોલા સિંહનું શુક્રવાર સાંજે નિધન થયું છે. તેમની ઉંમર ૮૨ વર્ષની હતી. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને તેમને છેલ્લા ત્રણ દિવસથી દિલ્હીની રામ મનોહર લોહીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભોલા સિંહના નિધનના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ તેમના અંતિમ દર્શન પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ’બેગુસરાયથી સાંસદ ભોલા સિંહજીના નિધનના સમાચારથી દુઃખી છું. તેમણે સમાજ માટે કરેલા કાર્યોને લઇને તેમને હંમેશા યાદ કરાશે. દુઃખની આ સ્થિતિમાં હું તેમના પરિવાર અને સમર્થકો સાથે છું.’ ઉલ્લેખનીય છે કે ભોલા સિંહ રાજકારણનો એક જાણીતો ચહેરો હતા. તેઓ બિહાર સરકારમાં મંત્રી હોવાના ઉપરાંત બેગુસરાયથી ૮ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.
બીજી તરફ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ભોલા સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે તેમનું મૃત્યુ બિહાર માટે મોટું નુકસાન છે. તેમણે જણાવ્યું કે સિંહ સામાજિક કાર્યમાં સક્રિયતાથી ભાગ લેતા હતા અને તેમના જવાથી આ ક્ષેત્રમાં પણ મોટું નુકસાન થયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ પણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
ભાજપા સાંસદ ભોલા સિંહનું ૮૨ વર્ષે નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

Recent Comments