(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ તણાવભરી હોઈ સરહદ પરના રાજ્યોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવેલ છે, ત્યારે આવી સ્થિતિ વચ્ચે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૪-પ માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. દેશની વર્તમાન સ્થિતિને લઈ તેમનો આ પ્રવાસ રદ્દ થવા અંગે જો કે, અટકળો ચાલી રહી છે, તેમ છતાં પણ વડાપ્રધાનનો આ પ્રવાસ લગભગ યથાવત્‌ રહેશે, તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે, તેમના આ પ્રવાસના સમગ્ર રૂટ દરમિયાન અભેદ કિલ્લેબંધી જેવો કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવાની તૈયારીઓ આદરી દેવાઈ છે. પાકિસ્તાન સાથે વધતા તણાવની વચ્ચે ભારત અને પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા રાજ્યોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ગુજરાતને અડીને આવેલી સમુદ્રી અને જમીન બોર્ડર પર વ્યવસ્થા વધારી દેવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં હાઈએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો આ તણાવભર્યા માહોલમાં પીએમ નરેન્દ્ર મોદી ૪ અને પ માર્ચ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ તણાવભર્યો માહોલ ઊભો થયેલ છે અને ગુજરાતની સમુદ્રી અને જમીન બોર્ડર હાઈએલર્ટ પર છે. ભારતીય સેના અને પોલીસ દ્વારા બોર્ડર પર સઘન તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના પૂર્વ સીએમ અને દેશના પીએમ નરેન્દ્ર મોદી ૪ અને પ માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બે દિવસના ગુજરાત પ્રવાસે પીએમ મોદી જામનગરમાં હોસ્પિટલનું ઉદ્‌ઘાટન, અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન જેવા કાર્યક્રમોમાં હાજરી આપશે અને ત્યારબાદ પીએમ મોદી ઈન્દોર જવા રવાના થશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વર્તમાન સ્થિતિ જોતા તેમની સુરક્ષા માટે અત્યંત કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. અભેધ કિલ્લેબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવનાર છે. દેશની સ્થિતિને લઈ છેલ્લા બેએક દિવસથી વડાપ્રધાનનો કાર્યક્રમ (પ્રવાસ) થશે કે કેમ, તે અંગે અટકળો તેજ બની હતી. જો કે, સૂત્રો મુજબ આ પ્રવાસ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યો છે. વડાપ્રધાન ચોથી માર્ચે સવારે ૧૧ઃ૩૦ કલાકે જામનગર પહોંચશે, ત્યાં તેઓ ૭પ૦ પથારીની ગુરૂ ગોવિંદ સિંહ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરશે અને તે સાથે સૌની યોજનાના પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે. આ સાથે જામનગરમાં જનસભાને પણ સંબોધન કરશે. બપોરે પીએમ જામનગરથી રવાના થઈ અમદાવાદ પહોંચશે અને અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ કોમ્પ્લેક્ષનું ભૂમિપૂજન કરશે, ત્યાંથી વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન પહોંચશે અને ત્યાં મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્‌ઘાટન કરશે, તેમજ મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કાનું ભૂમિપૂજન કરશે. મેટ્રોમાં સવારી કર્યા બાદ પીએમ મોદી સાંજે સિવિલ હોસ્પિટલ ખાતે ૧ર૦૦ પથારીની સિવિલની નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરી જનસભાને સંબોધન કરશે. પીએમ મોદી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ પાંચમી માર્ચે પીએમ મોદી સવારે ૧૦ કલાકે અડાલજ ખાતે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરશે, તે પછી ૧૧ઃ૩૦ કલાકે વસ્ત્રાલ ખાતે શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરશે અને જનસભાને પણ સંબોધન કરશે. બપોર પછી અમદાવાદ એરપોર્ટ પરથી તેઓ ઈન્દોર રવાના થશે.