(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૦
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું શુક્રવારે અવસાન થયું. ૯૩ વર્ષીય ભારતીય જનતા પાર્ટીના (બીજેપી)ના કદાવર નેતાને લીવરમાં ચેપ, છાતીમાં ભારની ફરિયાદને પગલે ૧૧ જૂનના રોજ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા (એઆઈએમએસ)માં ભરતી કરવામાં આવ્યા હતા. આ દરમ્યાન વડાપ્રધાન મોદી તેમની મુલાકાતે એમ્સ હોસ્પિટલમાં ગયા હતા. પૂર્વ પ્રધાનમંત્રીના અવસાન બાદ વડાપ્રધાન મોદીની એક એઈમ્સના ગેલ્ટર સાથે સ્મિત કરતી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. પીએમ મોદીના ટીકાકારોએ દાવો કર્યો છે કે આ તસવીર એઈમ્સ હોસ્પિટલની અંદરની છે અને પૂર્વ્‌ વડાપ્રધાનના અવસાન પછીની છે. વાયરલ તસવીરમાં મોદી ડોક્ટરો સાથે ઊભા રહીને વાતો કરી રહ્યા છે અને સ્મિત કરતા નજરે પડે છે. સોશિયલ મીડિયા પર પીએમ મોદીની વખોવણી કાઢતા આ તસવીર શેર કરવામાં આવી રહી છે. મોદીની ઝાટકણી કાઢતા આલોચકોએ લખ્યું છે કે અટલ બિહારી વાજપેયીના મૃત્યુ પછી પીએમ હંસી રહ્યા હતા. ટીકાકારોનું કહેવું છે કે સમગ્ર દેશ અટલજીના મૃત્યુમાં શોકમગ્ન હતો ત્યારે હાલના વડાપ્રધાનના ચહેરા પર સ્મિત ઝળકી રહ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ દરમ્યાન કોંગ્રેસ નેતા બ્રિજેશ કલપ્પાએ પણ તેમના સત્તાવાર ટ્‌વીટર પર આ તસવીર શેર કરીને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. બ્રિજેશે આ તસવીર ૧૭ ઓગસ્ટ ર૦૧૮ના રોજ પોસ્ટ કરીને ટ્‌વીટ કર્યું કે શોકમગ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના મોત પર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં શોક પ્રકટ કરતા નજરે પડે છે. અહેવાલ મુજબ વડાપ્રધાન મોદીના એઈમ્સ હોસ્પિટલમાં જવા-આવવા અંગે એબીવીપી ન્યુઝ ચેનલે તપાસ કરી તો આ દાવાને જૂઠું સાબિત કરતું સત્ય બહાર આવ્યું હતું. ચેનલ મુજબ વડાપ્રધાન મોદી ૧૬ ઓગસ્ટ ર૦૧૮ના રોજ વાજપેયીને મળીને બપોરે પોણાત્રણ વાગે એઈમ્સ હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા હતા જ્યારે વાજપેયીના અવસાનની પ વાગેને પાંચ મિનિટે ઘોષણા કરવામાં આવી હતી. આથી વડાપ્રધાન મોદીના સ્મિતનો દાવો ખોટો છે.