(એજન્સી) આસામ, તા.૩૦
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ અને અરૂણાચલ પ્રદેશમાં ચૂંંટણી રેલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ૧૯૭૦ના દાયકામાં કોંગ્રેસ સરકારની નીતિઓને કારણે આસામ અને બાકીનું ઉત્તરપૂર્વ ઘૂસણખોરીથી પીડાય છે. ગોહપુરમાં ભાજપની રેલીને સંબોધતા મોદીએ જણાવ્યું કે કોંગ્રેસે હંમેશ લોકો સાથે છેતરપિંડી કરી છે પરંતુ ‘ચોકીદાર’ ત્રાસવાદ, ભ્રષ્ટાચાર અને ઘૂસણખોરી સામે લડત આપશે. તેમણે રેલીમાં ઉપસ્થિત લોકોને એવો પ્રશ્ન કર્યો કે, શું દેશના હિતોની વિરૂદ્ધમાં કામ કરનારાઓને આસામના લોકો સમર્થન આપશે. તેઓ આપણા દેશની પ્રગતિની હિમાયતમાં નથી. તેમણે એવું પણ પૂછ્યું કે શું તેઓ આસામના વિકાસની દરકાર કરશે ? વડાપ્રધાન મોદીએ એપ્રિલ-મે મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં તેમના પક્ષને ટેકો આપવાની લોકોને હાકલ કરી છે. વડાપ્રધાને જણાવ્યું કે, જનસંઘ અને અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાઓ દેશના હિતમાં હતા. બાંગ્લાદેશની આઝાદીની ચળવળ દરમિયાન બાંગ્લાદેશના સમર્થનમાં તેઓએ અવાજ ઉઠાવ્યો હતો. ૧૯૭૧માં બાંગ્લાદેશ પાકિસ્તાનથી આઝાદ થયું ત્યારે ભારતમાં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં. પોતાની સરકારની સફળતાઓ વિશે બોલતા વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ ચોકીદારે ચાના બાગીચાઓમાં કામ કરતા લોકો માટે ‘પીએમ શ્રમ યોગી મંધન યોજના લોન્ચ કરી છે. આ યોજના સાથે જોડાયેલા લોકોને ૬૦ વર્ષની વય બાદ માસિક ૩,૦૦૦ રૂપિયાનું પેન્શન મળશે.