(એજન્સી) નાસિક, તા. ૧૯
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા રામ મંદિરને લઇને દાવા કરનારાઓ પર પ્રહાર કર્યા છે. અયોધ્યા સુનાવણી પર ગુરૂવારે તેમણે કહ્યું કે, “સુપ્રીમ કૉર્ટ પર ભરોસો છે. હું નિવેદનબાજી કરનારા બહાદૂરોને નિવેદન કરું છું કે રામ માટે થઇ રહેલી સુનાવણીમાં વિક્ષેપ ના નાંખો.” અહીં એક જાહેર સભાને સંબોધતા પીએમ મોદીએ ફક્ત મુંબઈનો વિકાસ કરવા અંગે અગાઉની સરકારોની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર સત્તામાં આવી તે પહેલા રાજ્યમાં રાજકીય અસ્થિરતા હતી. હવે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં રાજ્યમાં સ્થિર સરકાર છે. દરમિયાન, તેમણે જમ્મુ-કાશ્મીર પર નારો આપ્યો કે “આપણે નવું કાશ્મીર બનાવવાનું છે.’ ‘જમ્મુ અને કાશ્મીરને સ્વર્ગમાં બદલવાનું છે.’
જમ્મુ કાશ્મીરમાં ભારતના બંધારણને સંપૂર્ણપણે લાગુ કરવાનો માત્ર સરકારનો એક નિર્ણય નથી પરંતુ આ ૧૩૦ કરોડ ભારતીયોની ભાવનાનું પ્રગટીકરણ છે. તેમણે કહ્યું કે આપણે હંમેશ કહેતા હતા અને જાણીએ છીએ કે કાશ્મીર આપણું છે પરંતુ હવે દરેક ભારતીય માટે નવું સૂત્ર હશે હવે સાથે મળીને એક નવું કાશ્મીર બનાવવું છે, દરેક કાશ્મીરીને ગળે લગાવવાના છે અને આપણે કાશ્મીરને ફરી એકવાર સ્વર્ગ બનાવવાનું છે.
રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “કેટલાક નિવેદનબાજી કરનારાઓએ અયોધ્યામાં રામ મંદિરને લઇને ગમે તે નિવેદન આપવાનું શરૂ કરી દીધું છે. દેશનાં તમામ લોકોનાં મનમાં સુપ્રીમ કૉર્ટનું સમ્માન હોવું જરૂરી છે. કેસ સુપ્રીમ કૉર્ટમાં ચાલી રહ્યો છે. કૉર્ટમાં તમામ લોકો પોતાની વાત રાખી રહ્યા છે. આવામાં આ નિવેદન આપનારા બહાદૂરો ક્યાંથી આવી ગયા? હું આવા નિવેદન આપનારા બહાદૂરોને હાથ જોડીને નિવેદન કરું છું કે ભગવાન માટે, રામ માટે ભારતની ન્યાય પ્રણાલીમાં વિશ્વાસ રાખો અને આંખ બંધ કરીને કંઇ પણ ના બોલો.”
પાકિસ્તાન અંગે એનસીપીના વડા શરદ પવારને નિશાન બનાવીને પીએમ મોદીએ કહ્યું કે જો પવારને પાડોશી દેશ ગમતો હોય તો આ તેમની ઇચ્છા છે પરંતુ દેશ અને વિશ્વ જાણે છે કે પાડોશી દેશમાં ત્રાસવાદીઓની ફેકટરી છે.