(એજન્સી) મુંબઈ, તા.૮
દેશમાં વધતી જતી બેરોજગારી માટે શિવસેનાએ વડાપ્રધાન મોદીને આડે હાથ લીધા છે. શિવસેનાએ કહ્યું કે, તે રોજગાર સર્જનનો શ્રેય લેવા ઈચ્છે છે તો તેણે દેશમાં ઘટતી જતી નોકરીઓની પણ જવાબદારી લેવી જોઈએ.
શિવસેનાના મુખપત્ર સામનામાં સેન્ટર ફોર મોનિટરીંગ ઈન્ડિયન ઈકોનોમીના એક રિપોર્ટને ટાંકીને જણાવાયું છે કે, દેશમાં એક વર્ષમાં ૧.૦૯ કરોડ નોકરીઓ સમાપ્ત થઈ ગઈ. શિવસેના ભાજપની ગઠબંધન સરકારમાં છે. શિવસેનાએ સામનામાં તંત્રીલેખમાં લખ્યું છે કે, જો વડાપ્રધાન મોદી ૭૦ લાખ નોકરીઓનો સર્જનનો શ્રેય ઈચ્છે છે તો તેમણે એક વર્ષમાં ૧.૦૯ કરોડ નોકરીઓ ખતમ થવાની જવાબદારી પણ લેવી જોઈએ. શિવસેનાએ કહ્યું કે, યુવાનો ભાજપને સત્તા પર લાવ્યા હતા. હવે તેજ યુવાનો ભાજપને સત્તા પરથી ફેંકી દેશે. ચાર વર્ષમાં એક પણ વાયદો પૂરો કર્યો નથી. નોકરી સર્જનનો પરપોટો અંતે સીએમઆઈઆઈના રિપોર્ટ પછી ફૂટી ગયો. ગડકરી અને અમિત શાહે નોકરીઓ આપવાની અસમર્થતા પ્રગટ કરી હતી.