(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.ર
કેન્દ્ર સરકારના નવા કાયદા સીએએ સામે દેશભરમાં પ્રચંડ વિરોધ વચ્ચે ભાજપ સરકારો ઠેર-ઠેર તેના સમર્થનમાં કાર્યક્રમો કરવા લાગી પડી છે. આ માટે જનજાગરણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે હવે વડાપ્રધાન મોદીને અભિનંદન આપતાં પોસ્ટકાર્ડ લખવાની જવાબદાર ભાજપ શાસિત રાજ્યોની સરકારોને સોંપવામાં આવી છે જે અંતર્ગત ભાજપના સાંસદો, ધારાસભ્યો સહિત સંગઠનના અગ્રણીઓને લાખોની સંખ્યામાં આ પોસ્ટકાર્ડ લખવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્રીય ભાજપના આદેશ અંતર્ગત રાજ્યનું સંગઠન કામે લાગી ગયું છે ત્યારે શાળામાં ભણતાં બાળકો કે જેને સીએએ કાયદાની લગીરેય ખબર નથી તેમની પાસેથી વડાપ્રધાનને થેંક યુ કહેતા પોસ્ટકાર્ડ લખાવવામાં આવી રહ્યાની વિગતો પણ બહાર આવી છે.
હાલ ગુજરાત ભાજપ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા અંતર્ગત જનજાગરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સીએએને લઈ ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોને વિવિધ સંસ્થાઓ પાસે પીએમ મોદીને અભિનંદન આપતા લાખો પોસ્ટકાર્ડ લખવા માટે સૂચના આપવામાં આવી છે. દરેક વોર્ડના સંસ્થા, ઘર, શાળા અને કોલેજોનો સંપર્ક કરી ઓછામાં ઓછા ૧૦ હજાર પોસ્ટ કાર્ડ લખવા માટે કહેવામાં આવ્યું છે. જેના ફોલો અપની જવાબદારી આ અભિયાન માટે નિયુક્ત થયેલા વોર્ડના ઈન્ચાર્જ તેમજ વોર્ડના પ્રમુખ-મહામંત્રી, વોર્ડના પ્રભારી અને વિધાનસભા પ્રભારીની રહેશે. તેની સાથે સાથે ચૂંટાયેલી પાંખ પણ આ ઝૂંબેશમાં મદદરૂપ બની રહી છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યો પોતે પણ વડાપ્રધાન મોદીને નાગરિકતા કાયદા મામલે અભિનંદન આપતા પત્રો લખી રહ્યા છે.
આ દરમિયાન આજે અમદાવાદની શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને સીએએ માટે થેંક યુ લેટર લખાવવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ થેંક યુ લેટર માત્ર ખાનગી શાળા જ નહીં એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વિદ્યાર્થીઓ પાસે પણ લખાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ થેંક યુ ઉપરથી (સરકારમાંથી) આવ્યું છે. જો કે, આ લેટર પાછા ફરજિયાત લખવાના જ.
આજે ઘાટલોડિયાની ત્રિપદા ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકના વાલીના જણાવ્યા મુજબ શાળાના તમામ બાળકો પાસે પોસ્ટકાર્ડમાં એક થેંક યુ લેટર લખાવ્યો હતો જે લેટરમાં સીએએના કાયદા બદલ માનનીય વડાપ્રધાનનો આભાર માનવાનું લખાણ કરાવાયું હતું. વાલીના કહેવા પ્રમાણે પ્રાથમિક શિક્ષણના બાળકો પાસે આ પ્રકારના ફરજિયાત થેંક યુ લેટર લખાવવા યોગ્ય નથી તેમજ વાલીની જાણ બહાર લખાવી લેવા એતો જરા પણ યોગ્ય કહેવાય નહીં. પત્ર લખવાના ભોગ બનનાર એક બાળક સાથે વાત કરતાં નિર્દોષ ભાવે જણાવે છે, શિક્ષકે સીએએ વિશે કંઈ પણ સમજાવ્યું નથી કે અમને ખબર પણ નથી. આમ સંચાલકોએ શાળાના બોર્ડ પર એક લખાણ લખ્યું જે બાળકોને આપેલા પોસ્ટકાર્ડ પર સીધું ઉતારી લેવાનું હતું. આ જ પ્રકારે અમદાવાદ મ્યુનિ. કોર્પો.ની શાળાઓમાં પણ શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને સીએએ માટે થેંક યુ લખાવ્યા છે જેમાં તો રીતસર થેંક યુ કહેતો પત્ર લખવાના અલગ-અલગ લખાણો પણ સંચાલકોને ઉપરથી રેડિમેઈડ મળ્યાના અહેવાલ છે જે લખાણોમાં માત્ર વડાપ્રધાન મોદીનો અથવા વડાપ્રધાન સાથે ગૃહમંત્રી અમિત શાહનો આભાર માનવા માટેના વિકલ્પો પણ જોવા મળે છે. આ જ પ્રકારના રેડીમેઈડ લખાણો ખાનગી શાળાઓને પણ સૂચના સાથે મોકલવામાં આવેલ છે. એક શિક્ષકના જણાવ્યા મુજબ ઉપરથી આવેલ આવા પ્રકારની સૂચના ઓફ ધી રેકોર્ડ હોય છે જેથી આધિકારીક રીતે રેકર્ડ પર જતું નથી.