(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૮
ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓના પગલે છેલ્લા કેટલાક દિવસોથી પરપ્રાંતિયો ઉપર થઈ રહેલા હુમલાઓ અને તેને કારણે ભયભીત બનેલા હજારો પરપ્રાંતિયો દ્વારા ગુજરાત છોડી વતનની વાટ પકડતા દેશભરમાંથી તેના પ્રત્યાઘાતો ઊઠી રહ્યા છે અને ગુજરાતની બદનામી થઈ રહી હોઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યંત નારાજ થયા છે અને તેમણે રાજ્યના ગૃહમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી આ મુદ્દે રિપોર્ટ આપવા તથા તાત્કાલિક કડક કાર્યવાહી કરવા જણાવ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. તો આ સાથે ઉત્તરપ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીઓએ પણ આ મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ફોન ઉપર વાત કરી હતી.
હિંમતનગરના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મનો મામલો રાજકિયરૂપ ધારણ કરતો જણાઈ રહ્યો છે. હાલ રાજ્યમાં પરપ્રાંતિયો સાથે મારપીટની ઘટનાઓના કારણે લોકોમાં ફફડાટ વ્યાપેલો છે અને લોકો ગુજરાત છોડી પોતાના વતન પાછા ફરી રહ્યા છે. આ વાતની ગંભીરતાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકાર સાથે ટેલિફોનિક વાતચીત કરી આ મુદ્દે રિપોર્ટ આપવા જણાવ્યું છે.
ઉત્તર ભારતીયો પરના હુમલાઓ અંગે ઁસ્એ નારાજગી વ્યક્ત કરી છે. આ ઘટનાને વખોડતા પીએમ મોદીએ ગુજરાતના ગૃહ પ્રધાન સાથે ટેલિફોનિક ચર્ચા કરીને હુમલાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને યોગી આદિત્યનાથે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટેલિફોન કરી આ મામલે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આમ ગુજરાતમાં પરપ્રાંતિયો પરના હુમલાના પડઘાઓ સમગ્ર દેશમાં પડતા ગુજરાત સરકાર માટે મોટો પડકાર ઉભો થયો છે.
હિંમતનગરની ઘટનાના પડઘા ગુજરાતના અન્ય નાના મોટા શહેર અને ગામડાઓમાં પડ્યા છે. ગુજરાતમાં વસતા યુપી અને બિહારના પરપ્રાંતિયોને માર મારવાના બનાવો બની રહ્યા છે. જેથી ભયમાં મુકાયેલા પરપ્રાંતિયોએ ગુજરાત છોડીને વતન પાછા ફરી રહ્યા છે.
હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે લગભગ છેલ્લા ૭૨ કલાકમાં ગુજરાતમાંથી ૨૦ હજારથી વધુ પરપ્રાંતિયો ગુજરાત છોડી રવાના થઈ ગયા છે. જેના પડઘા વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યા છે.
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલા હુમલાઓની ઘટના બાદ પોતાના ગૃહ રાજ્ય તરફ પરત ફરી રહેલા ઉત્તર ભારતીયોની સ્થિતિ કફોડી બની છે. આ હુમલાને લઈને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાતચીત કરી છે. ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ મામલે સરકારનો બચાવ કર્યો હતો. તેમણે આ ઘટનાક્રમ પાછળ કોંગ્રેસનો હાથ ગણાવ્યો હતો. આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તાત્કાલિક પત્રકાર પરિષદ બોલાવીને રક્ષણ આપવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જાહેર નિવેદન કરીને આરોપીઓ સામે કડક હાથે કામ લેવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘે પણ તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હુમલાઓ અટકાવવા અને કડક પગલા ભરવાની સૂચનાઓ આપી હતી.