(એજન્સી) નવી દિલ્હી,તા.ર૬
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉનની સિંગાપુરમાં યોજાનાર શિખર મંત્રણા અંગે પેદા થયેલી શંકાસ્પદ પરિસ્થિતિથી ભાજપા સાંસદ શત્રુઘ્ન સિંહા ખૂબ જ ચિંતામાં જોવા મળી રહ્યા છે. શનિવારે શત્રુઘ્ન સિંહાએ ટ્રમ્પ અને કિમની શિખર મંત્રણા અંગે કેટલીક ટ્‌વીટ કરી પરંતુ તેમના નિશાન પર પીએમ મોદી રહ્યા. ભાજપા નેતાએ ટ્‌વીટ કરી કે કિમ જોંગ ઉને અપેક્ષાઓની વિરૂદ્ધ પોતાના દેશ દ્વારા વિકસિત કરવામાં આવેલા પરમાણુ હથિયારોનો નાશ કરી દીધો. કિમની પ્રશંસા કરતાં શત્રુઘ્ન સિંહાએ કહ્યું કે તેમણે પોતાના દરેક વચન પૂરા કર્યા, ભાજપના કેટલાક નેતાઓની જેમ માત્ર સૂત્રોચ્ચાર નથી કર્યા. સિંહાએ આ ટ્‌વીટમાં કોઈનું નામ તો નથી લખ્યું, પરંતુ ઈશારાઓમાં જ પીએમ મોદી પર નિશાન તાક્યું છે. ભાજપા નેતાએ વધુમાં કહ્યું કે, તેમને આ વાતને લીધે તકલીફ છે કે ટ્રમ્પ અને કિમ વચ્ચે યોજાનાર શિખર મંત્રણા ઘોંચમાં (અવરોધ) પડી છે અને તે વિશ્વ અને ભારત માટે ખરાબ સમાચાર છે. ભાજપા સાંસદે ટ્રમ્પ અને કિમને વિનંતી કરી કે તેઓ પોતાની શાંતિ શિખર મંત્રણાને આગળ વધારે અને તેને યોગ્ય મંઝિલ સુધી પહોંચાડે. ઉલ્લેખનીય છે કે ટ્‌્રમ્પ અને કિમની મુલાકાત અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. ૧ર જૂનના રોજ બંને નેતાઓની મુલાકાત સિંગાપુરમાં યોજાનાર હતી, પરંતુ અચાનક ટ્રમ્પે પત્ર લખીને તેને રદ કરી દીધી. જો કે શુક્રવારે ટ્રમ્પે પુનઃ એક વાર સંકેત આપ્યા કે તેમની કિમ સાથેની શિખર મંત્રણા શક્ય હશે તો ૧ર જૂન પહેલા પણ યોજાઈ શકે છે.