(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
પીએમ મોદી પર ચાબખા મારતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે સ્ટાર્ડ અપ ઈન્ડીયાનું સ્વાગત કરીે છીએ પરંતુ શટ અપ ઈન્ડીયા દ્વારા તેનો અમલ ન કરી શકાય. દિલ્હીના એક કાર્યક્રમમા બોલતાં રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. રાજધાની નવી દિલ્હીમાં પીએચડી એન્યુઅલ એવોર્ડ ફોર એક્ષેલન્સ અને ૧૧૨ મા વાર્ષિક સત્રને સંબોધિત કરતાં રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારમાંથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે અને સરકાર પ્રામાણિક લોકોમાં વિશ્વાસ ધરાવતી નથી. તેમણે કહ્યું કે સ્ટાર્ડ અપ ઈન્ડીયાનું સ્વાગત છે પરંતુ તેને કંઈ ભારતને ચૂપ કરીને અમલી ન બનાવી શકાય. સરકાર લોકોમાં વિશ્વાસ ધરાવતી નથી. સાડા ત્રણ વર્ષના સમયગાળા બાદ લોકોએ સરકારમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે. ૩ વર્ષ બાદ લોકોની આશા-અપેક્ષાઓ ભાંગી પડી છે. બિઝનેશના વળતાં પાણી થવા લાગ્યાં છે. કાળા નાણા સામેની વડાપ્રધાનની પહેલ અને કેશલેશ ઈકોનોમી માટેની સરકારની ઝૂંબેશી ટીકા કરતાં રાહુલે કહ્યું કે તમામ રોકડ કાળુ નાણું નથી, તમામ કાળુ નાણું રોકડમાં નથી. આ પહેલા રાહુલે જીએસટી અને નોટબંધી પર અરૂણ જેટલીને નિશાન પર લીધાં. જેટલીને ડોક્ટર ગણાવતાં રાહુલે કહ્યું કે ડો. જેટલી તમારી દવા કામમા આવી નથી, અર્થતંત્ર આઈસીયુમાં છે. હિન્દીમાં એક કવિતા સંભળાવીને અને નાણા મંત્રી અરૂણ જેટલી પર નિશાન સાધીને રાહુલ ગાંધીએ ફરી એક વાર જેટલીના અર્થતંત્ર પરના દાવાની હાંસી ઉડાવી. ગાંધીએ કહ્યું કે અર્થતંત્ર આઈસીયુમાં છે અને ડો.જેટલીની દવા બેઅસર નીવડી છે. રાહુલને જવાબ આપતાં જેટલીએ કહ્યું હતું કે જેમણે ૨ જી અને કોલસા કૌભાંડ કર્યું તેમને તો જીએસટીનો વાંધો હશે જ. રાહુલે કહ્યું હતું કે તેમનો જીએસટી એ જીએસટી નથી. જીએસટીનો અર્થ ગબ્બર સિંહ ટેક્ષ છે. આને કારણે દેશ બર્બાદ થઈ રહ્યો છે. નાના દુકાનદારો બર્બાદ થયાં છે. લાખો યુવાનો બેરોજગાર બન્યાં છે પરંતુ તેમ છતાં પણ તેઓ સાંભળવા માટે તૈયાર નથી. રાહુલે એવું પણ કહ્યું કે કોંગ્રેસે સરકારને જીએસટીની પ્રતિકૂળ અસરની ચેતવણી આપી હોવા છતાં પણ મોદી સરકાર તેના પોતાના જીએસટી સાથે આગળ વધી.