(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતા આરોપ લગાવ્યો હતો કે, કેન્દ્ર સરકાર નબળા આધારે સંસદના શિયાળુ સત્રમાં અવરોધ ઊભા કરવાના પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, મોદીએ પોતાના અહંકારને કારણે લોકશાહીના મંદિરને તાળા લગાવી દીધા છે. તેઓ પોતાના અહંકાર માટે ગરીબોના અધિકારોને પણ નષ્ટ કરવા પર ઉતરી આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા શિયાળું સત્ર મોડું બોલાવવાના નિર્ણય અંગે તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર આગામી ગુજરાત ચૂંટણીઓને કારણે સંસદનો સામનો કરવાથી બચી રહી છે જો કે, આ તો ફક્ત એક બહાનું છે.
સોમવારે કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ એક સમાચાર એજન્સી દ્વારા રાફેલ ડીલના ખુલાસા અંગે બે ભાગમાં પ્રકાશિત રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતા કથિત ભ્રષ્ટાચારના આરોપોમાંથી બહાર આવેલા સવાલો અંગે વડાપ્રધાન મોદી પાસે ખુલાસો માગ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષા અનુસાર મોદી સરકારે પોતાના અહંકારને કારણે શિયાળુ સત્રને ન બોલાવી સંસદીય લોકશાહી પર અંધારૂં લાવી દીધું છે. સરકાર જો એવું વિચારતી હોય કે, લોકશાહીના મંદિરને તાળું લગાવીને તે બંધારણીય જવાબદારીથી બચી જશે તો તેની આ વિચારધારા ખોટી છે. પોતાના સત્તાવાર નિવાસે બોલાવાયેલી બેઠકોમાં કોંગ્રેસના અધ્યક્ષે ગરીબોના ભવિષ્યને નષ્ટ કરવાનું કારણ મોદી સરકારની નોટબંધી અને બળજબરીથી થોપવામાં આવેલા જીએસટીને ગણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળે તેને ઉતાવળ અને કોઇપણ ફેરફાર કર્યા વિના લાગુ કરનારો ટેક્સ ગણાવ્યો હતો. પીએમ મોદી પર નિશાન સાધતા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન અડધી રાતે સંસદનું સત્ર બોલાવે છે પરંતુ આજે સંસદનો સામનો કરવાથી ડરી રહ્યા છે. સોનિયા ગાંધી સંસદના એ સત્રને યાદ અપાવી રહ્યા હતા જેમાં ૩૦મી જૂન ૨૦૧૭ના રોજ જીએસટી લાગુ કરવા માટે સંસદને અડધી રાતે ખોલાવી હતી. આ સત્ર દેશની આઝાદીના ૫૦ વર્ષ પુરા થયા ત્યારે બોલાવવામાં આવ્યું હતું. સોનિયાએ આ ઉપરાંત જણાવ્યું હતું કે, સંસદના મંચ પર સવાલો પુછવા જોઇએ. ઉચ્ચ પદો પર ભ્રષ્ટાચારના સવાલો, મંત્રીઓના હિતોના ટકરાવ અને શંકાસ્પદ સુરક્ષા સોદા પર સવાલો કરવાના હતા. સોનિયાએ જણાવ્યું કે, સરકારે આ પ્રશ્નોના જવાબ આપવા જોઇએ પરંતુ ગુજરાતની ચૂંટણી પહેલા સવાલના જવાબથી બચવા માટે સરકારે શિયાળુ સત્રને તેના આયોજનને સમયે નહીં બોલાવી એક અસામાન્ય પગલું ભરી રહી છે. સંસદના શિયાળું સત્ર પરંપરાગત રીતે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં શરૂ થઇને ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી ચાલે છે. સૂત્રો અનુસાર સરકાર ફક્ત ૧૦ દિવસના શિયાળું સત્ર પર વિચારણા કરી રહી છે જે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં શરૂ થઇ શકે છે.