(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૩
ગુજરાતમાં ૨૦૦૨ના હુલ્લડોના મામલામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકોને મળેલી ક્લિનચીટને પડકારતી ઝકિયા જાફરીએ રજૂ કરેલી અરજી પર સુપ્રીમકોર્ટ આગામી ૧૯મી નવેમ્બર સોમવારે સુનાવણી કરશે. ૨૦૦૨માં ગુજરાતમાં ફાટી નીકળેલા કોમી રમખાણો વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. જ્યારે ઝકિયા કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીનાં વિધવા છે. હુલ્લડો દરમિયાન એહસાન જાફરીની હત્યા કરવામાં આવી હતી. તપાસ કરવા માટે રચના કરવામાં આવેલી ખાસ તપાસ ટીમ (એસઆઇટી)એ મોદી અને ટોચના રાજકારણીઓ તેમ જ અન્ય ૫૮ લોકોને ક્લિનચીટ આપી હતી. આ ક્લિનચીટને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી પરંતુ ઓક્ટોબર ૨૦૧૭માં ગુજરાત હાઇકોર્ટે આ ક્લિનચીટને બહાલી આપી હતી. ઝકિયા જાફરીએ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો. ઝકિયા અને અગ્રણી સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના સંગઠન સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસે સુપ્રીમકોર્ટ દ્વારા રચના કરાયેલી એસઆઇટીના નિષ્કર્ષ સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. મંગળવારે ઝકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ એએમ ખાનવિલકરની બેંચે જણાવ્યું કે બેંચ આ મામલા અંગે ૧૯મી નવેમ્બરે સુનાવણી કરશે. નોંધનીય છે કે ૨૦૧૭ની પાંચમી ઓક્ટોબરે ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે ગુજરાતના હુલ્લડોના કેસોની ફરી તપાસ થશે નહીં. ઝકિયા જાફરીએ કોર્ટને કહ્યું હતું કે આની પાછળ એક મોટું ષડયંત્ર હતું અને હાઇકોર્ટે ષડયંત્ર હોવાનું માનવાનો ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ઝકિયા જાફરીને કહ્યું હતું કે તેઓ સુપ્રીમકોર્ટમાં અપીલ કરી શકે છે. ઝકિયા જાફરીએ સીટના રિપોર્ટ સામે માર્ચ ૨૦૧૪માં હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટે પણ હુલ્લડના ચાર વર્ષ પછી તેમની ફરિયાદ પાછળના હેતુ સામે પણ પ્રશ્ન કર્યો હતો. ઝકિયા જાફરીએ એવો આરોપ મૂક્યો છે કે તેમના પતિ એહસાન જાફરીએ હિંસક ટોળા દ્વારા તેમની સોસાયટી પર હુમલો કરવામાં આવ્યો ત્યારે મદદ કરવા માટે પોલીસ અધિકારીઓ અને વરિષ્ઠ રાજકારણીઓને ઘણા ફોન કર્યા હતા પરંતુ કોઇએ પણ તેમના કોલ્સના જવાબ આપ્યા ન હતા અને તેમની કોઇ મદદ કરી ન હતી. ૨૦૧૨માં સીટના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં ૨૦૦૨માં ફેલાયેલા કોમી રમખાણો પર કાબૂ મેળવવા માટે તે વખતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શક્ય બધા જ પગલાં ભર્યા હતા.

ઝકિયાએ મોદી, કેટલાક પ્રધાનો અને અધિકારીઓ સામે કેસ નોંધવાની માગણી કરી હતી

ઝકિયા જાફરીએ ૨૦૦૬માં તે વખતના ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના કેટલાક પ્રધાનો, વરિષ્ઠ પોલીસ અધિકારી અને અમલદારો સહિત ૫૯ લોકો સામે પણ પોલીસ કેસ નોંધવાની માગણી કરી હતી. ૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીએ હિંસક ટોળાએ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હુમલો કરીને એહસાન જાફરી અને અન્ય ૬૮ નિર્દોષ લોકોની ક્રૂર રીતે હત્યા કરી હતી. એહસાન જાફરીને હિંસક ટોળાએ જીવતા સળગાવી દીધા હતા. ગુજરાતના રમખાણો બાદ તત્કાલીન રાજ્ય સરકાર અને સમગ્ર તંત્ર સામે સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ નીવડવા કે આચરવામાં આવી રહેલી હિંસા પ્રત્યે જાણીજોઇને પોતાની આંખો પર પટ્ટી બાંધી લેવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકા સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા.

મોદીએ ક્લિનચીટ આપનાર અધિકારીઓને પુરસ્કૃત કર્યા

ગુજરાતના ૨૦૦૨ના કોમી રમખાણોમાં તે વખતના રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા માટે મોદીને ક્લિનચીટ આપનારા ખાસ તપાસ ટીમ (એસઆઇટી)ના અધિકારીઓને મોદી દ્વારા નવાજવામાં આવ્યા છે. મોદીને ક્લિનચીટ આપનાર સીટના વડા આરકે રાઘવન હતા. મોદી સરકારે આરકે રાઘવનને ગયા વર્ષે સાયપ્રસના રાજદૂત બનાવ્યા હતા. સીટના અન્ય એક સભ્ય વાયસી મોદીને પણ મોદી સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા છે. વાયસી મોદીને ગયા વર્ષે મોદી સરકાર દ્વારા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ના નવા બોસ તરીકે નિયુક્ત કરીને સન્માનિત કરાયા છે.