(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૧
ક્ષેત્રીય એરપોર્ટોને તૈયાર કરવાની ધીમી ગતિને કારણે નાના કસબાઓ અને શહેરોને હવાઇ માર્ગથી જોડવા તથા કરોડો હવાઇ યાત્રી વધારવાની વડાપ્રધાન મોદીની મહત્વકાંક્ષી યોજના સામે મુશ્કેલીઓ સર્જાઇ છે. પાછલા વર્ષે વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનો ઉદેશ્ય જૂની અને ઉપયોગમાં ન લેવાતી હવાઇ પટ્ટીઓનો પુનરોદ્ધાર કરવો અથવા નવા એરપોર્ટ બનાવવાનો હતો તથા એરલાઇન્સ કંપનીઓને સસ્તા ભાડાંને બદલે આ નાના કસબા અને શહેરોને હવાઇ માર્ગ દ્વારા જોડવા માટે રાહતો આપવાનો હતો. પરંતુ બે સરકારી અધિકારીઓ અનુસાર હાલના માળખાને આધુનિક બનાવવા તથા નવા એરપોર્ટોના નિર્માણ કરવાનુંં કામ હાલ ગતિ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું છે જેનાથી આગામી પાંચ વર્ષમાં ૧૦ કરોડ નવા હવાઇ યાત્રી બનાવવાનું સરકારનું લક્ષ્યાંક પાટા પરથી ઉતરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિજનલ કનેક્ટિવિટી સ્કીમ (આરસીએસ) જેને ઉડાન નામથી પણ ઓળખવામાં આવે છે તે અંતર્ગત સરકારે વર્ષ ૨૦૧૭ના અંત સુધી ૩૧ નવા એરપોર્ટને ચાલુ કરવાનું લક્ષ્યાંક રાખ્યું હતું પરંતુ અત્યારસુધી તેમાંથી ફક્ત ૧૬નું જ સંચાલન શક્ય થઇ શક્યું છે. અધિકારીઓ અનુસાર કેટલાક રાજ્યોનું કહેવું છે કે, તેમની પાસે ફાયર એન્જિન જેવા અનિવાર્ય ઉપકરણો ખરીદવા માટે પણ પૂરતા નાણાં નથી. એક અધિકારીએ કહ્યું કે, કેટલીક અન્ય બાબતોમાં એર ટ્રાફિક કંટ્રોલરોને બનાવવા તથા બેગેજ સ્કેનરો તથા સિક્યુરિટી સિસ્ટમથી લેસ ટર્મિનલ બિલ્ડીંગોની સ્થાપનામાં લક્ષ્યાંક કરતા વધારે સમય લાગી રહ્યો છે. હવે સરકારે આમાં હસ્તક્ષેપ કર્યો છે. હવે સરકાર પોતે ઉપકરણો ખરીદીને રાજ્ય સરકારોને લીઝ પર આપશે જેથી બાકીના ૧૫ એરપોર્ટ પણ જૂન મહિના અંત સુધી સંચાલન શરૂ કરી શકે.