(એજન્સી) હૈદરાબાદ, તા.ર૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હૈદરાબાદ મેટ્રો રેલના પ્રથમ તબક્કાનું ઉદ્દઘાટન કર્યું હતું. મેટ્રો ટ્રેનના આ ઉદ્દઘાટનમાં તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ પણ જોડાયા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તેમણે ચાર સ્ટેશનની મુસાફરીનો આનંદ માણ્યો હતો. જાહેર જનતા માટે મેટ્રો સેવાનો આજથી પ્રારંભ થશે.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧. મેટ્રો રેલ સેવા તેના પ્રારંભિક તબક્કામાં ૩૦ કિ.મી.નું અંતર કાપશે. આ મુસાફરી ૧૭ લાખ યાત્રિકો સાથે દરરોજનું અંતર કાપશે. મેટ્રો માટેના સ્માર્ટ કાર્ડનું આ અઠવાડિયાના અંતથી વેચાણ શરૂ થશે. આ સ્માર્ટ કાર્ડ શહેરના અન્ય પરિવહન સેવામાં ઉપયોગમાં લઈ શકાશે.
ર. હૈદરાબાદ મેટ્રો પ્રોજેક્ટને ત્રણ કોરિડોરમાં વહેંચવામાં આવ્યું વે જે તમામ વિસ્તારના ગીચ વસ્તીમાંથી પસાર થાય છે.
૩. મેટ્રો સવારે ૬ કલાકથી રાતના ૧૦ કલાક સુધી ચાલશે તેમજ યાત્રિકોની સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવશે જે સવારના સાડા પાંચથી રાતના ૧૧ વાગ્યા સુધીનો રહેશે.
૪. હૈદરાબાદ મેટ્રો નવી પરિયોજના અને સાર્વજનિક ખાનગી ભાગીદાર (પીપીપી) મોડલથી બનેલ સૌથી લાંબી પરિયોજના છે.
પ. હૈદરાબાદ ટ્રેનનું નિર્માણ એલ એન્ડ ટી દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ભાડા દર ઓછામાં ઓછા ૧૦ રૂપિયા અને વધુમાં વધુ ૬૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.
૬. હૈદરાબાદ મેટ્રો અલ્ટ્રામોર્ડન કોચથી સજ્જ હશે અને આમીરપેટ દેશનું સૌથી મોટું સ્ટેશન બનશે.
૭. સમય અને લાઈનથી બચવા હૈદરાબાદ મેટ્રોના દરેક સ્ટેશન પર ઓટોમેટિક ટિકિટ વેન્ડીંગ મશીન રાખવામાં આવ્યા હતા.
૮. હૈદરાબાદ મેટ્રોને ઈકોફ્રેન્ડલી બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
૯. તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ મેટ્રો માટે ફિડર સેવા પણ શરૂ કરશે.
૧૦. શરૂઆતમાં બધી જ ટ્રેનોમાં ત્રણ કોચ હશે.