(એજન્સી) નવી દિલ્હી, તા.૧૧
રવિવારે ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ મણિશંકર ઐયરના ડીનરનો મુદ્દો ઉઠાવ્યો અને સંકેત કર્યો કે કોંગ્રેસ પાકિસ્તાન સાથે મળીને ગુજરાતમાં ભાજપની સરકાર આવતા રોકવા માટે ષડયંત્ર ઘડી રહી છે જ્યાં ભાજપ રર વર્ષોથી સત્તામાં છે. જ્યારે મોદીએ આક્ષેપ લગાવ્યો કે પાકિસ્તાની નેતાઓ અને ઈસ્લામાબાદ ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. ત્યારે બરતરફ કરાયેલાં કોંગ્રેસના નેતાના ડીનરમાં હાજર રહેલાં વ્યક્તિઓએ આંતરિક રાજનીતિ વિશે ચર્ચા થઈ હોવાનો સદંતર નન્નો ભણ્યો હતો. બે ભૂતપૂર્વ રાજદ્વારીઓએ જણાવ્યું કે ચર્ચા ભારત-પાકિસ્તાનના સંબંધોની આજુબાજુ જ હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી પણ તે ડિનરમાં હાજર હતાં જે ગયા બુધવારે મણિશંકર ઐયરના ઘરે પાકિસ્તાન વિદેશ મંત્રી ખુરશીદ મહમૂદ કસુરીની મુલાકાતના માનમાં રાખવામાં આવ્યું હતું. ઉચ્ચ સૂત્રોએ કહ્યું કે મનમોહનસિંઘ ડીનર વખતે હાજર હતાં પણ તેમણે એકપણ મુદ્દા વિશે વાત કરી ન હતી. બીજા મહેમાનોમાં પાકિસ્તાન હાઈ કમિશનર, પૂર્વ વિદેશ મંત્રી કે નટવરસિંહ, પૂર્વ આર્મી ચીફ દીપક કપૂર, પૂર્વ રાજદ્વારી સલમાન હૈદર, સતીન્દર લાંબા, ટીસીએ રાઘવન, શરત સબરવાલ, ચિન્મય ધરેખાન અને વરિષ્ઠ પત્રકારો પ્રેમશંકર ઝા અને રાહુલ ખુશવંતસિંઘ સામેલ હતા. તે પૂરી રીતે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો ચર્ચવા સમર્પિત હતું. અનિવાર્યપણે, આંતર સીમા આતંકવાદનો મુદ્દો ઉઠ્યો અને કાશ્મીરનો મુદ્દો પણ ઉઠ્યો પણ હું ૧૦૦ ટકા ખાતરી સાથે કહું છું કે કોઈએ પણ ના તો ગુજરાતની ચૂંટણી વિશે વાત કરી કે ના તો પાકિસ્તાનના આંતરીક મુદ્દાઓ વિશે મિસ્ટર ધરેખાને એનડીટીવીને કહ્યું. સતીન્દર લંબા, બીજા આમંત્રિતે કહ્યું હું અંગત ડીનરો પર ટિપ્પણીઓ નથી કરતો ત્યાં માત્ર સામાન્ય ઈન્ડો-પાક સંબંધો વિશે ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે એક પૂર્વ પાકિસ્તાન આર્મી ઓફિસરે ઉચ્ચ કોંગ્રેસ નેતા અહમદ પટેલને ગુજરાતનાં મુખ્યમંત્રી બનવા માટે ટેકો આપ્યો હતો (એક હાથે) પાકિસ્તાન આર્મીના પૂર્વ ડી.જી ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યાં છે. બીજું પાકિસ્તાની લોકો મણિશંકર ઐયરના ઘરે ડીનર કરી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું હતું. કોંગ્રેસ આવા ઘોર આરોપ બદલ વડાપ્રધાન પાસે અધિકારી માફીની માગણી કરી રહ્યા છે.