કોલકાતા, તા. ૮
મમતા બેનરજી સરકારે ફરી એકવાર કેન્દ્ર સરકારના નિર્ણયો સામે બાંયો ચડાવી છે અને તેના નિર્ણયનું પાલન નહીં કરવા જણાવ્યું હતું જેમાં કહેવાયું હતું કે, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વડાપ્રધાન મોદીના ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ કરવું પડશે. શિકાગોમાં વર્લ્ડ પાર્લામેન્ટ ઓફ રિલિજનમાં સ્વામી વિવેકાનંદની ૧૨૫મી જયંતિના પ્રસંગે ૧૧મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદીના ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ માટે ગોઠવણ કરવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના નિર્ણયનો બહિષ્કાર કરવા મમતા સરકારે પોતાના રાજ્યોની કોલેજો અને યુનિવર્સિટીઓને સૂચના આપી હતી. રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીએ એક પત્રકાર પરિષધમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને જાણ કર્યા વિના અથવા રાજ્ય સરકાર સાથે પાકું સંકલન સાધ્યા વિના આ પગલું ભરી શકે નહીં.
પાર્થા ચેટરજીએ જણાવ્યું હતું કે, આ બિલકુલ ચલાવી નહીં લેવાય જ્યારે અમને આભાસ થઇ રહ્યો છે કે, શિક્ષણના ભગવાકરણની તૈયારી કરાઇ રહી હોવાનું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે. યુજીસીના તાજેતરના સર્ક્યુલરથી રાજ્યની કોલેજો અને યુનિવર્સિટીઓ આશ્ચર્યચકિત છે. જ્યારે તેઓ અમારી પાસે આવ્યા હતા ત્યારે અમે તેમને ચોખ્ખું પધરાવી દીધું હતું કે, યુજીસીના દિશા નિર્દેશોનું પાલન કરવા અમે બંધાયેલા નથી.
ઉલ્લેખનીય છે કે, યુજીસીએ એક સર્ક્યુલર બહાર પાડી મોદીના ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ કરવા ૪૦,૦૦૦ શૈક્ષણિક સંસ્થાઓને નિર્દેશ આપ્યો હતો. તાજેતરમાં જ સ્વતંત્રતા દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળ સરકારે કેન્દ્ર સરકારના સર્ક્યુલરનું પાલન નહીં કરવા આદેશ આપ્યો હતો જેમાં જણાવાયું હતું કે, વડાપ્રધાનના ન્યૂ ઇન્ડિયા મિશન અને સંકલ્પ સે સિદ્ધિને વધાવી લેવા વિદ્યાર્થીઓએ ઇમારતો પર મોટાપાયે ઝંડા લહેરાવા જોઇએ. રાજ્ય સરકારે સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સરકારની સલાહોને પણ ફગાવી દીધી હતી. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયે નવમી ઓગસ્ટથી ૩૦મી ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રવાદ દેખાડવા માટે ન્યૂ ઇન્ડિયા મિશનને અપનાવવા નિર્દેશ આપ્યા હતા. જોકે, તે વખતે પણ પાર્થા ચેટરજીએ જણાવી દીધું હતું કે, રાજ્ય સરકાર આ બાબતમાં કેન્દ્રના નિર્ણયોને માનવા માટે બાધ્ય નથી. અમારે ભાજપ પાસેથી રાષ્ટ્રવાદના પાઠ શીખવાની જરૂર નથી.
પીએમ મોદીના ભાષણનું લાઇવ ટેલિકાસ્ટ કરવાના કેન્દ્રના વલણ સામે બંગાળ સરકારનો વિરોધ

Recent Comments