(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
દેશની જાણીતી સેલિબ્રિટિઓએ દલિતો અને લઘુમતીઓ પર વધતા અત્યાચાર, હેટ ક્રાઇમ, મોબ લિન્ચિંગના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા પીએમ મોદીને પુછવામાં આવ્યું છે કે, તેમણે અપરાધીઓ વિરૂદ્ધ શું પગલાં લીધા છે. આ સાથે જ પત્રમાં જય શ્રીરામના નારાને ઉશ્કેરણીજનક ગણાવ્યો છે. સમગ્ર દેશમાંથી સામાજિક કાર્યકરો, ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોએ પીએમ મોદીને લખેતા પત્રમાં આ ઘટનાઓ પર લગામ લગાવવાનો અનુરોધ કર્યો છે.
પત્રમા પુછવામાં આવ્યું છે કે, રામના નામે દેશભરમાં હિંસા થઇ રહી છે. જય શ્રીરામનો નારો યુદ્ધઘોષ બની ગયો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો(એનસીઆરબી)ના એક રિપોર્ટને ટાંકતા પત્રમાં કહેવાયું છે કે, ૧ જાન્યુઆરી ૨૦૦૯થી ૨૯ ઓક્ટોબર ૨૦૧૮ દરમિયાન દેશમાં ધર્મના નામે હેટક્રાઇમના ૨૫૪ બનાવો સામે આવ્યા છે. એટલુંજ નહીં ૨૦૧૬માં દલિતો પર અત્યાચારના ૮૪૦ બનાવા સામે આવ્યા છે. વડાપ્રધાન તમે જણાવો કે, અપરાધીઓ વિરૂદ્ધ તમે શું પગલાં લીધા છે ? આ ૪૯ સેલિબ્રિટિઓમાં દક્ષિણ સિનેમાના સૌથી મોટા ફિલ્મ નિર્દેશક અદૂર ગોપાલકૃષ્ણ, મણિ રત્નમ, ફિલ્મકાર અનુરાગ કશ્યપ, બિનાયક સેન, સૌમિત્ર ચેટરજી, અભિનેત્રી અપર્ણા સેન, કોંકણા સેન શર્મા, રેવતી, ફિલ્મકાર શ્યાન બેનેગલ, શુભમ મુદ્રલ, રૂપમ ઇસ્લામ, અનુપમ રોય, પરમબ્રતા અને રિદ્ધિ સેન સામેલ છે. સેલિબ્રિટિઓએ પત્રમાં આવા અપરાધ માટે દોષિત ઠેરવવા બદલ બિનજામીનપાત્ર અને આકરામાં આકરી સજાની માગણી કરી છે જે સમાજ માટે ઉદાહરણ બની શકે. આ ઉપરાંત પત્રમાં બિનાયક સેન, ડાયરેક્ટર અંજના દત્તા અને ગૌતમ ઘોષે પણ હસ્તાક્ષર કર્યા હતા. તેમણે કહ્યું કે ધર્મના નામે કાંઇને કાંઇ થતું રહે છે. કેન્દ્રમાં સામેલ લોકો કોઇને પણ રાષ્ટ્રવિરોધી જાહેર કરી દે છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં મોબ લિન્ચિંગની ઘટનાઓએ માઝા મુકી છે. ટોળ દ્વારા લોકોને માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. જ્યારે કેટલીક ઘટનાઓ એવી પણ છે જેમાં લઘુમતીઓને બળજબરીથી જય શ્રીરામનો નારો બોલવાની ફરજ પાડવામાં આવે છે અને માર મારવામાં આવે છે.