(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૦
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકવાળી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ’ પર ચૂંટણી પંચે રોક લગાવી છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી) તરફથી યુ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાછલા દિવસોમાં સુપ્રીમ કોર્ટે આ ફિલ્મની રિલીઝ રોકવા અંગે દાખલ થયેલી અરજીઓને ફગાવી દીધી હતી અને આ નિર્ણય ચૂંટણી પંચ પર છોડ્યો હતો. આ ફિલ્મ સામે આદર્શ ચૂંટણી આચાર સંહિતાના ભંગનો આરોપ લગાવાયો હતો. ચૂંટણી પંચે બુધવારે અંતે વડાપ્રધાન મોદીની બાયોપિકની રિલીઝ પર રોક લગાવી દીધી હતી. તેણે લોકસભા ચૂંટણીના અંત સુધી તેના પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. ચૂંટણી પંચે કહ્યું કે, એવી કોઇ પણ સામગ્રીને ઇલેકટ્રોનિક મીડિયા પર દેખાડાઇ ના શકાય જે ચૂંટણીમાં તમામ દાવેદારોને સમાન તકો ઉપલબ્ધ કરાવવાના સિદ્ધાંત સાથે મેળ ખાતી ન હોય. આ પહેલા નવમી એપ્રિલે સવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની બેંચે વિશેષ અરજીને ફગાવીદીધી હતી જેમાં લોકસભા ચૂંટણી દરમિયાન ફિલ્મની રિલીઝ પર હંગામી રીતે રોક લગાવવાનીમાગ કરવામાં આવી હતી. કોર્ટે અરજીને ફગાવતા કહ્યું હતું કે, અત્યારસુધી સેન્ટ્રલ ફિલ્મ બોર્ડે તેને સર્ટિફિકેટ આપ્યુ નથી અને ફિલ્મ જોવી તેમનું જ કામ છે. સાથે જ જો ફિલ્મને કારણે ચૂંટણીઓમાં કોઇ મુશ્કેલી પડે તેમ હોય તો આ અંગે ફક્ત ચૂંટણી પંચ જ નિર્ણય લઇ શકે છે. કોર્ટે કહ્યું હતું કે, જો ફિલ્મ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે કે નહીં તેનો નિર્ણય ચૂંટણી પંચે જ લેવાનો રહેશે.