(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીવાર ઓક્ટોબર માસમાં ગુજરાતનો પ્રવાસ ખેડે તેનો તખ્તો ઘડાઈ રહ્યો છે. જો કે આ પ્રવાસ નક્કી થશે તો ઓક્ટોબરમાં તેઓ બે-વાર ગુજરાત આવશે. ઓગસ્ટ મહિનામાં ગુજરાત આવી ગયેલા વડાપ્રધાન હવે ઓક્ટોબરમાં ફરીથી રાજ્યના પ્રવાસે આવે તેવી વિગતો પ્રાપ્ત થવા પામી છે. ખાસ સૂત્રોના જણાવ્યા અનુસાર લોકસભાની ચૂંટણી ર૦૧૯માં આવી રહી હોઈ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતની મુલાકાતો વધારી રહ્યા છે. ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં દેશની જાણીતી એવી દૂધ બ્રાન્ડ અમૂલની ચોકલેટ ફેક્ટરીનું ઉદ્‌ઘાટન કરશે તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે. આ કાર્યક્રમની સાથે જ ગુજરાત સરકારના અન્ય સરકારી કાર્યક્રમોમાં પણ વડાપ્રધાન હાજરી આપે તે અંગેનું આયોજન હાથ ધરાયું છે. એટલે કે આ પ્રવાસ દરમિયાન બે-ત્રણ કાર્યક્રમો વડાપ્રધાન કરી શકે તે માટેની તૈયારીઓ હાથ ધરાઈ છે. જો કે વડાપ્રધાનના આ પ્રવાસ અંગે હજુ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જો વડાપ્રધાન આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તો ઓક્ટોબર મહિનામાં તેમના બે પ્રવાસ થશે. કેમ કે ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલ જયંતિના દિવસે વડાપ્રધાન મોદી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે અને તે પ્રોગ્રામ ફાઈનલ થઈ ગયેલ છે ત્યારે મોદીના ઓક્ટોબર પાસના બીજા પ્રવાસની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. જો કે સરકાર દ્વારા તે અંગેની તૈયારીઓ તો આદરી દેવામાં આવી છે.