નવીદિલ્હી, તા. ૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રામીણ અને શહેરી ક્ષેત્રોમાં તમામ ઘર સુધી વિજળી પહોંચાડવા માટે આજે સૌભાગ્ય યોજનાની શરૂઆત કરી હતી. વડાપ્રધાન જનસંઘના વિચારક દિનદયાળ ઉપાધ્યાયની જન્મજ્યંતિ પર દેશને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી હતી. સૌભાગ્ય યોજનાનો મતલબ પ્રધાનમંત્રી સહજ વિજળી દરેક ઘરની યોજના છે. આ હેઠળ દરેક ગામ, દરેક શહેરના દરેક ઘર સુધી વિજળી પહોંચાડવાનુું લક્ષ્ય રાખ્યું છે. ૩૧મી માર્ચ ૨૦૧૯ સુધી આને પૂર્ણ કરી લેવામાં આવશે. આ યોજના હેઠળ ૨૦૧૧માં સામાજિક, આર્થિક અને જાતિ વસ્તીગણતરીમાં નોંધાયેલા ગરીબોને વિજળી કનેક્શન મફતમાં આપવામાં આવશે જે લોકોના નામ આ વસતી ગણતરીમાં નથી તે પણ ૫૦૦ રૂપિયાની ચુકવણી કરીને વિજળીના કનેક્શન મેળવી શકશે. આ રકમનો ૧૦ ઇન્સ્ટોલમેન્ટમાં વિજળીના બિલના રુપમાં લેવામાં આવશે. સૌભાગ્ય યોજના હેઠળ દુરગામી ક્ષેત્રોમાં વિજળીથી વંચિત આવાસોને મોદી સરકાર બેટરી બેંક ઉપલબ્ધ કરાવશે જેમાં ૨૦૦થી ૩૦૦ ડબલ્યુપીના સોલાર પાવર ટેક છે. જેમાં પાંચ એલઇડી લાઇટો, એક ડીસી ફેન અને એક ડીસી પાવરપ્લગ તથા પાંચ વર્ષ માટે રિપેરિંગનો સમાવેશ થાય છે. સૌભાગ્ય યોજના હેઠળ બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, ઝારખંડ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પૂર્વોત્તર રાજ્યો સામેલ છે. સૌભાગ્ય યોજનાનું કુલ બજેટ ૧૬૩૨૦ કરોડ રાખવામાં આવ્યું છે. સરકારી સહાયતા તરીકે ૧૨૩૨૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રામીણ આવાસોમાં વિજળી પહોંચાડવા પર ૧૪૦૨૪ કરોડ અને શહેરી આવાસોમાં ૧૭૩૨.૫૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. મોદીએ સૌભાગ્ય સ્કીમની શરૂઆત કરી હતી જે ૨૪ કલાક વિજળી ગરીબોને ઉપલબ્ધ કરાવશે. તમામ ગ્રામીણ અને શહેરી પરિવારોને આની હેઠળ આવરી લેવામાં આવશે. ઓઇલ એન્ડ ગેસ કોર્પોરેશનના હેડક્વાર્ટર ખાતે મોદીએ આ અંગેની જાહેરાત કરી હતી.