(સંવાદદાતા દ્વારા) મહેસાણા, તા.૧ર
મહેસાણા જિલ્લામાં સાત વિધાનસભા બેઠકો ઉપર પ્રચારના અંતિમ દિવસે ભારે રાજકીય ગતિવીધીઓ જોવા મળી હતી.જેમાં સતલાસણા ખાતે યોજાયેલ રોડ શો દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાક ગ્રામજનોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતાં હોબાળો મચી જવા પામ્યો હતો.જો કે,પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક સ્થાનિકોની અટકાયત કરી લેતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો. અમદાવાદથી સી-પ્લેનમાં ધરોઈ ડેમ ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં સતલાસણા ખાતે રોડશો કરીને ભાજપનો પ્રચાર કર્યો હતો.જો કે,આ રોડ શો દરમ્યાન તેમના વતનમાં જ તેઓને કડવો અનુભવ થયો હતો.એક તરફ મોદી રોડની બન્ને તરફ ઉભેલાઓનું અભિવાદન કરી રહ્યા હતા તે વખતે જ કેટલાક કાર્યકરો એકાએક કાળા વાવટા સાથે આવી ચઢ્યા હતા અને વાવટા ફરકાવીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.આ સમયે ફરજ પરના પોલીસ જવાનો સતર્ક થઈ ગયા હતા અને વિરોધ કરી રહેલા આ ગ્રામજનોની અટકાયત કરી લીધી હતી.નોંધપાત્ર છે કે,સી-પ્લેનમાં ધરોઈ ખાતે પહોંચેલા વડાપ્રધાન અહીંથી મોટરમાર્ગે અંબાજી ગયા હતા અને મંદિરમાં દર્શન કરીને પરત ફર્યા હતા.