(એજન્સી) કોલકાતા, તા. ર૯
વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધિત કરતા દાવો કર્યો છે કે, તૃણમુલ કોંગ્રેસના ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. સાથે જ તેમણે કહ્યું છે કે, ૨૩ મે બાદ તમામ ધારાસભ્યો પાર્ટી છોડી દેશે. બંગાળના શ્રીરામપુરમાં એક સભાને સંબોધન કરતી વેળા વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતંું કે, પહેલા ફક્ત મોદીને ગાળો આપવામાં આવતી હતી અને હવે તો ઇવીએમને પણ ગાળો અપાય છે. તૃણમુલ કોંગ્રેસના ગુંડાઓ લોકોને મત આપવાથી રોકી રહ્યા છે. વિપક્ષનો પ્રચાર અભિયાન મોદીને ગાળો આપવા પર કેન્દ્રીત છે. જો તમે આ બાબતને કાઢી નાખો તો કાંઇ બચશે નહીં. દીદી તમારી જમીન ખસી ગઇ છે અને જોઇ લેજો ૨૩મી મેએ જ્યારે પરિણામ આવશે ત્યારે તમારા ધારાસભ્યો તમને છોડીને ભાગી જશે આજે પણ તમારા ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. બીજી તરફ પીએમ મોદીના આ નિવેદન અંગે ટીએમસીએ ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દીદીએ જાહેરાત કરી છે કે, તેઓ મને હવે બંગાળના માટી અને પથ્થરોથી બનેલા રસગુલ્લા ખવડાવશે, મારૂં સૌભાગ્ય છે બંગાળની માટીનો રસગુલ્લા એટલે રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, નેતાજી સુભાષચંદ્ર બોઝ, શ્યામાપ્રસાદ મુખરજી જેવા મહાપુરૂષોના ચરણની ધૂળ. મહાપુરૂષોના પગની ધૂળ, આ માટી જેના પર પડે, એવી માટી જેણે દેશના બનાવનાર એવા મહાપુરૂષોને બનાવ્યા, મને હવે આ માટીનો પ્રસાદ મળશે તો મારૂં જીવન ધન્ય થઇ જશે. મમતા સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, દીદી તમે વિશ્વાસઘાત કર્યો છે અને તેના કારણે બંગાળના લોકો ગુસ્સામાં છે અને આ ગુસ્સો તમારા વિશ્વાસઘાતનો છે, આ વિશ્વાસઘાતની કિંમત અહીંનો યુવાન ચુકવીને જ રહેશે. આ જ સુધી ભારતના રાજકારણમાં ૪ પ્રકારના પક્ષો અને રાજકીય પ્રકૃતિ જોવામાં આવી છે. પ્રથમ નામપંથી, બીજુ વામપંથી, ત્રીજું દામ અને દમનપંથી અને અને ચોથું વિકાસપંથી. નામપંથી એટલે જે ફક્ત વંશવાદી નેતાનું નામ જપે, નેતામાં યોગ્યતા ના હોય તેમ છતાં તેને રાજા મહારાજા માનીને તેના ગુણગાન કરે. બીજી વામપંથી એટલે નકારાયેલી વિદેશી વિચારધારાને ભારત પર થોપવાન પ્રયાસ કરે, ભારતીયતાનું અપમાન કરે જેને ત્રણ દશક સુધી ભારતની જનતાએ સહન કરી છે. વામપંથી નકસલવાદને પાણી પાવે છે. ત્રીજા છે દામ-દમનપંથી એટલે જે ધન અને બાહુબલની તાકાત પર સત્તા પર કબજોકરી લોકોને પોતાના ગુલામ બનાવે.

મોેદી પ્રચાર કરે છે કે સોદાબાજી, ચૂંટણી પંચમાં ફરિયાદ કરીશું : ડેરેક ઓબ્રાયન

વડાપ્રધાન મોદી દ્વારા પશ્ચિમ બંગાળની સભામાં વિવાદાસ્પદ નિવેદન બાદ તૃણમુલ કોંગ્રેસે કહ્યું છે કે, મોદીએ કરેલા નિવેદન અંગે તેમની પાર્ટી ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે. તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને કહ્યું કે, ભાજપ વિરૂદ્ધ સોદાબાજીના આરોપ સાથે તેઓ ચૂંટણી પંચને ફરિયાદ કરશે. તેમણે ટિ્‌વટમાં લખ્યું કે, એક્સપાયરી બાબુ, કોઇ તમારી સાથે નથી. શું તમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છો કે, સોદાબાજી કરો છો. તમારી એક્સપાયરી ડેટ નજીકમાં છે. તમારી સામે સોદાબાજીના આરોપમાં અમે ચૂંટણી પંચમા ફરિયાદ કરવા જઇ રહ્યા છીએ.

૪૦ ધારાસભ્યો તો શું ૧ કોર્પોરેટર પણ ભાજપમાં નહીં જોડાયઃ તૃણમૂલ કોંગ્રેસ

તૃણમુલ કોંગ્રેસનાં નેતા ડેરેક ઓ બ્રાયનેવડાપ્રધાન મોદીનાં તે નિવેદન પર નિશાન સાધ્યું જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટીએમસીનાં ૪૦ ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે. ડેરેક ઓ બ્રાયને સોમવારે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદીજી તમારી સાતે ૧ ટીએમસીનો ધારાસભ્ય નહી જાય. ધારાસભ્ય તો છોડીઓ એક પાર્ષદ પણ ભાજપમાં ક્યારે પણ નહી જોડાય. બ્રાયને આગળ જણાવ્યું કે, વડાપ્રદાન મોદી બંઘાળમાં પ્રચાર નહી પરંતુ ઘોટા વ્યાપાર કરી રહ્યા છે. જેની ફરિયાદ અમે ચૂંટણી પંચને જ કરીશું. વડાપ્રધાન મોદીએ સમજી લેવું જોઇએ કે તેમની સરકાર જવાની છે. આ ચૂંટણી ભાજપ માટે અંતિમ ચૂંટણી થશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તે દાવો કર્યો છે કે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં જનતાની સાથે વિશ્વાસઘાત કર્યો છે. એટલા માટે ચૂંટણી પરિણામો ૨૩ મે બાદ તેમનું બચી શકવું મુશ્કેલ થશે. તેમણે કહ્યું કે, રિઝલ્ટ બાદ ચારે તરફ જ્યારે કમળ ખિલશે તો તમારા ધારાસભ્ય તમને છોડીને ભાગી જશે. તેમણે દાવો કર્યો કે દીદીનાં ૪૦ ધારાસભ્યો આજે પણ તેમના સંપર્કમાં છે.