અમદાવાદ અને ઇન્ડોનેશિયાના લાયાંગને પતંગ કળાને પ્રોત્સાહન આપવા માટે પસંદ કરાયા
(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
વડાપ્રધાન મોદીના જાકાર્તા પ્રવાસ દરમિયાન ભારત અને ઇન્ડોનેશિયાએ ૧૫ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જોકો વિડોડોની આગેવાનીવાળા પ્રતિનિધિ મંડળ સ્તરની મંત્રણા બાદ બંને દેશોએ સંરક્ષણ, સ્પેસ ટેકનોલોજી, સાયન્ટિફિક અને ટેકનોલોજીકલ સહકાર, રેલવે, સ્વાસ્થ્ય, દવાઓ, જાહેર વહીવટ અને થિંકટેંક વચ્ચે મધ્યસ્થી અંગે કરાર કરવામાં આવ્યા હતા. બંને દેશોએ ૨૦૧૯-૨૦માં તેમના રાજદ્વારી સંબંધોના ૭૦મા વર્ષની ઉજવણી કરવા પણ સંમતિ દર્શાવી હતી. બિઝનેસ ટુ બિઝનેસ અને ગવર્નમેન્ટ ટુ બિઝનેસ કરાર અંતર્ગત પતંગ કળાને પ્રોત્સાહન તથા પ્રચલિત બનાવવા માટે અમદાવાદ કાઇટ મ્યુઝિયમ અને લાયાંગ લાયાંગ ગુજરાત અંગેના કરાર કર્યા હતા. ભારત અને ઇન્ડોનેશિયાના આર્કિયોલોજીકલ સર્વેના પીટી તમાન વિસાતા કાંડી બોરોબદૂર, પ્રમબાનન અને રાતુ બોકોએ પ્રમબાનન મંદિર અને તાજ મહેલના વૈશ્વિક સાંસ્કૃતિક વારસાને એક સાથે સુંદર બનાવવા કામ કરવાનું નક્કી કર્યું હતું. સ્કોલરશિપ સહયોગ પ્રોગ્રામ અંતર્ગત પણ હસ્તાક્ષર કરાયા હતા જેમાં આઇઆઇઆઇટી બેંગ્લોર ખાતે અભ્યાસ અને સંશોધનની પરવાનગી આપશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના ત્રણ દેશોના પ્રવાસે છે જેઓ આ ક્રમમાં મંગળવારે સાંજે જાકાર્તા પહોંચ્યા હતા. તેઓ સૌ પ્રથમ કાલિબાટા નેશનલ હીરો કબ્રસ્તાન પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી જ્યાં મોદીને ઇન્ડોનેશિયાના છમાંથી એક રાષ્ટ્રપતિ ભવન ઇસ્તાકા મેરડેકા ખાતે આવકારવા માટે ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. આ પ્રવાસનો હેતુ એસિયાન દેશો સાથે સંબંધો અને કરારો વધુ મજબૂત કરવાનો છે.

મોદીએ ઇન્ડોનેશિયાના નાગરિકો માટે ૩૦ દિવસના ફ્રી વિઝાની જાહેરાત કરી, કુંભમાં ઇન્ડોનેશિયાના ભારતીયોને આમંત્રણ

જાકાર્તા.તા.૩૦
ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે ઇન્ડિયન ડાયસપોરાને સંબોધતા મોદીએ જણાવ્યું કે તેમની સરકારની સર્વપ્રથમ પ્રાથમિકતા ભારતને ભ્રષ્ટાચાર મુક્ત, નાગરિક કેન્દ્રીત અને ડેવલપમેન્ટ ફ્રેન્ડલી બનાવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઇન્ડોનેશિયાના નાગરિકોને ૩૦ દિવસના ફ્રી વિઝા આપવાની જાહેરાત કરી છે અને નવા ભારતનો અનુભવ કરવા માટે પોતાના દેશનો પ્રવાસ ખેડવા માટે ભારતીય મૂળના ઇન્ડોનેશિયનને આમંત્રિત કર્યા છે. મોદીએ જાકાર્તા ખાતે સભાને સંબોધતા મોદીએ જણાવ્યું કે તમારામાંથી ઘણા ક્યારેય ભારત આવ્યા નહીં હોય હું આગામી વર્ષે પ્રયાગમાં કુંભ મેળા માટે ભારત આવવાનું તમને બધાને આમંત્રણ આપું છું. તેમણે એવું પણ જણાવ્યું કે અમારી સરકાર ભારતને ૨૧મી સદીની જરૂરિયાતો અને અપેક્ષા મુજબનું બનાવી રહી છે. ૨૦૨૨ સુધીમાં ન્યૂ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવા માટે અમે કામ કરવાનું શરૂ પણ કરી દીધું છે. ૨૦૨૨માં ભારત તેની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી કરશે.