નવીદિલ્હી,તા. ૧૫
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મોડી સાંજે ભાજપ સંસદીય બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાન મોદી અને અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રમુખ અમિત શાહના સંબોધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંબોધન કર્યું હતું. મોદીએ પાર્ટીના તમામ કાર્યકરો, પક્ષ પ્રમુખ અમિત શાહ અને તમામ નેતાઓનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકની ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત થઇ છે. મોદીએ આ જીત બદલ તમામ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, કર્ણાટકની વિકાસની આગેકૂચ યથાવતરીતે જારી રહેશે. કર્ણાટકના લોકોને ખાતરી આપતા મોદીએ કહ્યું હતું કે, કર્ણાટકના વિકાસ માટે અમે કામ કરતા રહીશું. તેમણે ઉમેર્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી જીતવા માટે તમામ પ્રયોગો કર્યા હતા. લોકશાહી માળખાને નબળુ કરવાના તમામ પ્રયાસો થયા હતા. મોદીએ પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયાથી લઇને મતદાનના દિવસ સુધી હિંસાનો દોર ચાલ્યો હતો. મોદીએ ઉમેર્યું હતું કે, કર્ણાટકના સંદર્ભમાં પાર્ટી પ્રમુખ અમિત શાહે તેમને વાત કરી છે. કર્ણાટકમાં તમામ વિપરીત પરિસ્થિતિ છતાં પાર્ટીએ ધરખમ દેખાવ કર્યો છે. ચૂંટણી માટે સખત પરિશ્રમ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પ્રમુખે પણ ભારે મહેનત કરી હતી. એક આદર્શ કામ કઇ રીતે થઇ શકે છે તેને જોવામાં આવે તો અન્યત્ર જવાની જરૂર નથી. કર્ણાટકમાં રાષ્ટ્રીય પ્રમુખના કામને જોઇ શકાય છે. પાર્ટીના અનેક કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી. બોગસ વોટિંગ કાર્ડ ઉભા કરવામાં આવ્યા હતા. દેશના બંધારણીય માળખાને નુકસાન પહોંચાડવાના પ્રયાસ પણ થઇ રહ્યા છે પરંતુ અમે આને ક્યારે પણ મંજુરી આપીશું નહીં.
પાર્ટીઓ દ્વારા એવી છાપ ફેલાવવામાં આવી રહી છે કે, ભાજપ ઉત્તર ભારતની પાર્ટી છે પરંતુ ભાજપ ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ જેવા રાજ્યોમાં સત્તા ધરાવે છે જે ગર્વની બાબત છે. પાર્ટી હેડક્વાર્ટર ખાતે પક્ષના કાર્યકરોને મોદી અને અમિત શાહે સંબોધન કર્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, ભાજપે છેલ્લા ૧૪ ચૂંટણીમાં જીત મેળવી છે. ૧૫મી વખત કર્ણાટકમાં જીત થઇ છે. લોકસભા ચૂંટણીમાં વધુ પ્રચંડ જીત મેળવીશું