(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.ર૯
આણંદ તાલુકાના મોગર ગામે આવતી કાલે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમુલના ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ચોકલેટ અને પોષક આહારનાં જુદા જુદા ચાર પ્લાન્ટનું ઉદ્‌ઘાટન કરનાર છે. ત્યારે તેઓના આગમનને લઈને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અને ચોકલેટ પ્લાન્ટ તેમજ સભાસ્થળની આસપાસ વડાપ્રધાનની સુરક્ષાને લઈને ૩ હજારથી વધુ પોલીસ જવાનો અને ચેતક કમાન્ડોની ટીમ અને દિલ્હીથી વિશેષ આવેલ એસપીજી અધિકારીઓ અને જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે રાજ્યપાલ ઓ. પી. કોહલી આવનાર હોય તેમના માટે વેટરનરી કોલેજ ખાતે હેલીપેડ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે વડાપ્રધાન મોદી માટે પ્લાન્ટની નજીકમાં જ હેલીપેડ તૈયાર કરવામાં આવ્યું છે. આજે સવારે કલેકટર દીલીપ રાણાએ કાર્યક્રમના સ્થળે સ્ટેજ અને બેઠક વ્યવસ્થાની સ્થિતિ નિહાળી હતી. તેમજ વડાપ્રધાનના આગમનને લઈને હેલીપેડ ખાતે રીર્હસલ યોજવામાં આવ્યું હતું. વડાપ્રધાનના આગમનને લઈને એડીશ્નલ ડી. જી. સમસેરસિંગ, રેન્જ આઈ. જી. એ. કે. જાડેજા સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને એસપીજીના અધિકારીઓએ આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. વડાપ્રધાનના આગમનને લઈને તેઓની સુરક્ષા માટે ૨૭૫૦ એએસઆઈ, હેડકોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ, ત્રણ કંપની એસઆરપી, ૧૮ ઘોડેસવાર પોલીસ, ૭ બોમ્બ ડીસ્પોજલ સ્ક્વોર્ડ, ૨ સ્નીફર ડોગની ટીમ, ૪ ચેતક કમાન્ડોની ટીમ, ૧૯ ડીવાયએસપી, ૩૯ પીઆઈ અને ૧૬૬ પીએસઆઈ તૈનાત કરવામાં આવ્યા છે. અને તમામ સ્થિતિ પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.