(સંવાદદાતા દ્વારા)
અમરેલી, ગાંધીનગર, તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બીજા દિવસે પણ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર જારી રાખ્યો હતો. તેમણે અમરેલીની જાહેરસભામાં પણ કોંગ્રેસ ઉપર બરાબરનું નિશાન તાક્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સરદારના નામે રાજનીતિ કરનારાઓએ તેમનું અપમાન કરવામાં કંંઈ બાકી રાખ્યું નથી. સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગાર કહે છે. તેઓને શરમ નથી આવતી આવું બોલતા ? વધુમાં મોદીએ જણાવ્યું કે કોંગ્રેસને સમાજમાં વિખવાદ કરીને મલાઈ ખાવાની મજા આવે છે.
વડાપ્રધાન મોદીએ અમરેલીની સભામાં પરેશ ધાનાણી પર પ્રહાર કરતા જણાવ્યું કે, અહીંયા તમારા ભાઈએ સરદાર સાહેબનું અપમાન કરવામાં કહી બાકી નથી રાખ્યું. સરદાર સાહેબના સ્ટેચ્યુને ભંગાર કહ્યા. તેઓને શરમ નથી આવતી આવું બોલતા ? આવા નેતાઓનો જો મોઢુ જોઈ લો તો દિવસ આખો બગડે.
તેમણે કહ્યું કે, અમારી સરકાર બનશે એટલે અમે નક્કી કર્યું છે કે, ૫ એકરનો નિયમ હટાવી દઈશું, અને બધા ખેડૂતોને લાભ આપવામાં આવશે. ગુજરાતે મને પાણીદાર બનાવ્યો છે. તેથી નવી સરકારમાં પાણી માટે જળશક્તિ મંત્રાલય બનાવવાનું નક્કી કર્યું છે.
આ વખતના કોંગ્રેસનો મેનિફેસ્ટો વાંચીને દુઃખ થાય છે. સેનાને કાશ્મીરમાંથી હટાવી લેવાય તો અમરનાથના શ્રદ્ધાળુઓનું શું થાય. શ્રીનગરના ટુરિસ્ટને આતંકવાદ ટકવા દે ? માત્ર વોટબેંકના રાજકારણ માટે આ પાપ કરવાનું છે. જો સેનાનું રક્ષા કવચ કાઢી નાખો તો કોઈ સેના લડવા તૈયાર થાય. રાજદ્રોહનો કાયદો કાઢી નાખવાનું કોંગ્રેસે કહ્યું છે. સરદારે જે દેશને એક કર્યો, તેના કોઈ કાળે ટુકડા થવા દેવાય ? ૨૦૧૪માં કોંગ્રેસને ઓછામાં ઓછી બેઠક મળી. ૨૦૧૯માં પણ તે ઓછામાં ઓછી બેઠક પર લડી રહી છે. તેઓ પાર્લામેન્ટમાં એક ખૂણામાં આવી ગયા. જે આંગળીના વેઢે ગણાય તેટલી સીટ પર લડતા હોય તે સરકાર બનાવવાની વાત કરે, તે કોઈના ગળે ઉતરે ખરી તેવો પ્રશ્ન તેમેણ કર્યો હતો.
કોંગ્રેસને સમાજમાં વિખવાદ કરીને મલાઇ ખાવાની મજા આવે છે. કાશ્મીરની સમસ્યા કોંગ્રેસને વારસામાં મળી છે. મોદીએ ઉરીની વાત કરતા કહ્યું કે, પાકિસ્તાન પીઠ પાછળ ઘા કરી ગયું. કોંગ્રેસે તે વખતે કંઇ કર્યું છે કે, નહીં, તમને ગુસ્સો આવતો હતો કે નહીં, પરંતુ મેં એરસ્ટ્રાઇક કરી. કરી કે ના કરી. તેમને ઘરમાં જઇને પાડી દીધાને ?
પુલવામા હુમલાની વાત કરતા કહ્યું કે, ૪૦ જવાનો મર્યા બાદ કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળ્યું હતું. તેઓ કહેતા હતા કે, મોદી પતિ ગયો હવે. તેઓ મને પતાવવા મીટિંગો કરવા લાગ્યો પરંતુ હું ડગ્યો નહીં સામે છાતીએ હુમલો કર્યો હતો. મેં મનમાં નક્કી કર્યું અને સૈનાને ખુલ્લી છૂટ આપી દીધી. પાકિસ્તાની ગણતરી ઉંધી પડી ગઇ. આજે પાકિસ્તાન દુનિયા સામે રડતું થઇ ગયું. આજે મોદીએ તેમના ગરીબી અને ભીખ માંગવાના દિવસો લાવી દીધા છે.
વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસને તણાવ જીવતો રાખીને પોતાની દુકાન ચલાવવામાં મજા આવે છે. સમાજમાં વિખવાદ થાય અને ભાઈ-ભાઈ સામે ઊભો રહે અને વચ્ચે પોતે મલાઈ ખાય તે કોંગ્રેસની નીતિ રહી છે. કાશ્મીરની મુસીબત મોદીને કારણે પેદા થઈ નથી. અમને આ તકલીફ વારસામાં મળી છે.