(એજન્સી) તા.રપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકાના ન્યૂયૉર્કમાં મંગળવારે સ્વચ્છ ભારત અભિયાન માટે ગ્લૉબલ ગોલકીપર ઍવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ પુરસ્કાર તેમને બિલ એન્ડ મલિન્ડા ગેટ્‌સ ફાઉન્ડેશન તરફથી આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને બિલ ગેટ્‌સના હસ્તે પ્રદાન કરવામાં આવ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્વચ્છતાના મહત્વ વિશે ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું કે ભારતે સ્વચ્છતાની દિશામાં કીર્તિમાન સ્થાપિત કર્યો છે . ડબ્લ્યુએચઓના માપદંડોને પૂરા કરતાં દેશને લગભગ ૧૦૦ ટકા ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ્યું છે. તેઓએ એમ પણ કહ્યુ કે, આ સન્માન ૧૩૦ કરોડ ભારતીયોનું સન્માન છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં રેકોર્ડ ૧૧ કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું જ પરિણામ છે કે ૨૦૧૪થી પહેલા જ્યાં ગ્રામીણ સ્વચ્છતા ૪૦ ટકાથી પણ ઓછી હતી તે આજે વધીને લગભગ ૧૦૦ ટકા પહોંચી રહી છે. સ્વચ્છ ભારત અભિયાન મિશનની સફળતા, કોઈ પણ આંકડાથી ઉપર છે. આ મિશને જો સૌથી વધુ લાભ કોઈને પહોંચાડ્‌યો હોય તો તે દેશના ગરીબને, દેશની મહિલાઓને. તેઓએ કહ્યુ કે, સ્વચ્છ ભારત મિશને ભારતના કરોડો લોકોના જીવનને વધુ સારું બનાવ્યું છે. તેમની ગરિમાની રક્ષા કરી છે. ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોને પણ પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. પીએમ મોદીએ યુનિસેફના એક અભ્યાસનો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, છેલ્લા પાંચ વર્ષોમાં ભૂગર્ભ જળની ગુણવત્તા ઘણી સુધરી છે અને હું માનું છું કે તેમાં પણ ઘણું મોટું યોગદાન સ્વચ્છ ભારતનું છે. સ્વચ્છ ભારત મિશનનો વધુ એક પ્રભાવ છે જેની ચર્ચા ઘણી ઓછી થઈ છે. આ અભિયાન દરમિયાન બનાવવામાં આવેલા ૧૧ કરોડથી વધુ શૌચાલયોએ ગ્રામીણ સ્તરે ઇકોનોમિક એક્ટિવિટીનો એક નવો દ્વાર પણ ખોલી દીધો છે.

મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે ગેટ્‌સ ફાઉન્ડેશન
દ્વારા સન્માનિત કરાતાં કર્મચારીએ રાજીનામું ધરી દીધું

(એજન્સી) તા.રપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગેટ્‌સ ફાઉન્ડેશન દ્વારા વાર્ષિક ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કરવાના કલાક પહેલા જ ગેટ્‌સ ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્ટાફના સભ્યોએ રાજીનામું ધરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ૪ર વર્ષીય કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ સબાહ હમીદે કહ્યું હતું કે એક બાજુ જ્યારે જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન મોદીની સરકાર ગંભીર સ્થિતિ સર્જી રહી છે, ત્યાં લોકડાઉનની સ્થિતિને યથાવત્‌ રાખી રહી છે અને માનવાધિકારોનો ભંગ કરી રહી છે ત્યારે તેમને આવા એવોર્ડથી સન્માનિત કરવાનો અમે વિરોધ કરીએ છીએ અને આ એક ગંભીર ભૂલ છે. જ્યારથી અમારી સંસ્થા દ્વારા આ એવોર્ડ આપવાની શરુઆત કરવામાં આવી છે ત્યારથી હું આ સંસ્થા સાથે સંકળાયેલી હતી પરંતુ હવે મારી પાસે આ સંસ્થા છોડી જવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નથી. પૂર્વ કર્મચારીએ કહ્યું હતું કે મેં આ મુદ્દો મારા સિનિયર સામે ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બન્યું એવું જ કે જે મેં વિચાર્યું હતું. તેમણે પોતાનો નિર્ણય બદલવાનો ઇનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે શબા હમીદ છેલ્લે સાડા ત્રણ વર્ષોથી બિલ ગેટ્‌સ ફાઉન્ડેશન માટે કામ કરી રહી છે અને તે એક કાશ્મીરી મૂળની નાગરિક છે. તે કહે છે કે એક કાશ્મીરી તરીકે આ મારા માટે એક પર્સનલ મામલો છે. લગભગ આઠ લાખ જેટલા અમારા રાજ્યના નાગરિકો એક ખુલ્લી કેદમાં છે. તેમને આ કેદમાં પ૦ દિવસ વીતી ગયા છે. તેમને મેડિકલ સારવાર માટે પણ જવા દેવાતા નથી. કાશ્મીર ખીણ ક્ષેત્રમાં તો ભયંકર માનવીય ત્રાસદી સર્જાઇ છે. ભારતની મોદી સરકારે આ માનવીય ત્રાસદીને સર્જી જ નથી પરંતુ સંપૂર્ણ યોજનાબદ્ધ રીતે તેમણે કાશ્મીરી નાગરિકોને કેદ કરી લીધા હતા. તેઓએ મીડિયાને પણ પ્રતિબંધિત કરી દીધી છે.