નવી દિલ્હી,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીની આજે ૨૫ ડિસેમ્બરે ૯૫મી જન્મજયંતિએ અટલ ભૂગર્ભ જળ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો લાભ ગુજરાત સહિત સાત રાજ્યોના ૭૮ જિલ્લામાં આવેલા ૮૩૫૦ ગામોમાં પીવાના પાણીની તંગીને દૂર કરવા ભૂગર્ભ જળને ઉપર લાવવામાં આર્થિક મદદનો લાભ થશે. વડાપ્રધાને તે સાથે જ મનાલીને લેહથી જોડતી સુરંગ ટનલનું અટલ ટનલ નામકરણ પણ કર્યું હતું. તેથા આજથી રોહતાંગ પાસ તરીકે ઓળખાતી આ ટનલ હવે “અટલ ટનલ” તરીકે ઓળખાશે.
તેમણે કહ્યું કે, આ યોજનાનો લાભ ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનને થશે. મંગળવારે ૬ હજાર કરોડની યોજનાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આમાં ૩ હજાર કરોડની રકમ વર્લ્ડ બેંક અને ૩ હજાર કરોડ કેન્દ્ર સરકાર આપશે. કેન્દ્ર સરકારે આ નિર્ણય ખેડૂતોની આવક બમણી કરવા માટે લીધો છે. આ યોજનામાં પાણી, પાણીની સલામતી અને પાણીના બજેટનો યોગ્ય ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવશે.
“જળ સંકટમાંથી બહાર આવવા માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડશે” એમ કહીને મોદીએ વધુમાં જણાવ્યું કે, અટલ જલ યોજના હોય કે જલ જીવન મિશન સંબંધિત માર્ગદર્શિકા, ૨૦૨૪ સુધીમાં દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના સંકલ્પને પૂર્ણ કરવા માટે આ એક મોટું પગલું છે. પાણી ઘર, ખેતરો અને ઉદ્યોગના દરેકને અસર કરે છે. જળ સ્ત્રોતોની સ્થિતિ કોઈનાથી છુપી નથી. આ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. તે આપણા સપનાને સાકાર કરવાના લક્ષ્યને પણ પ્રભાવિત કરે છે. આ જળ કટોકટીને પહોંચી વળવા આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. કેન્દ્રીય કેબિનેટે અટલ ભૂગર્ભ જળ યોજનાને મંજૂરી આપી હતી. જેનો હેતુ ભૂગર્ભ જળના અતિશય શોષણવાળા રાજ્યોમાં સમુદાયની ભાગીદારી સાથે ટકાઉ ભૂગર્ભજળ વ્યવસ્થાપન કરવાનો રહેલો છે.