ગાંધીનગર,તા.૯
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં સવારે ધરમપુરમાં ૨૦મી જુલાઇએ તેમનો કાર્યક્રમ નક્કી થયો છે.બપોરે જૂનાગઢ અને સાંજે ગાંધીનગર જશે. પ્રાંત અધિકારીએ લીધેલી બેઠકમાં પણ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે દરેક વિભાગને તૈયાર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. વડાપ્રધાનનો વિગતવાર કાર્યક્રમ એક બે દિવસમાં જાહેર થશે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે. ગુજરાતના અનેક શહેરોને ચૂંટણી માટે કેન્દ્રિત કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનના કાર્યક્રમમાં ધરમપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૨૦મી જુલાઇએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે. વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પણ વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધી હતી. જેમાં અસંખ્ય લોકો જાહેરસભામાં હાજર રહ્યા હતા.