(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અંગે અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. વડાપ્રધાને મંગળવારે જણાવ્યું કે રામ મંદિર નિર્માણ અંગે કાનૂની પ્રક્રિયા પુરી થઇ ગયા બાદ એટલે કે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવ્યા બાદ જ કોઇ વટહુકમ લાવી શકાશે. રામ મંદિરના નિર્માણમાં થઇ રહેલા વિલંબ અંગે વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ સામે નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના વકીલ સુપ્રીમકોર્ટમાં અવરોધો ઉભા કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉભા કરાયેલા અવરોધોને કારણે સુપ્રીમકોર્ટમાં રામ મંદિરના મુદ્દા અંગેની સુનાવણીની ગતિ ધીમી થઇ ગઇ છે. પીએમ નરેન્દ્ર મોદીએ વટહુકમના પ્રશ્ન અંગે સીધી રીતે કહ્યું કે આ મામલો સુપ્રીમકોર્ટમાં છે અને લગભગ અંતિમ તબક્કાએ છે. તેમણે એવું પણ કહ્યું કે કાનૂની પ્રક્રિયા પુરી થઇ જવા દો. આ કાનૂની પ્રક્રિયા પુરી થઇ ગયા બાદ સરકારી રીતે જે કંઇ જવાબદારી હશે, તેના માટે અમે તૈયાર છીએ. નોંધનીય છે કે રામ મંદિરના મુદ્દા અંગે ચોથી જાન્યુઆરીએ સુપ્રીમકોર્ટમાં સુનાળણી થવાની છે. સુપ્રીમકોર્ટમાં દરરોજ સુનાવણીની કરવાની માગણી માટે અરજી દાખલ કરવામાં આવી છે. રામ મંદિર હજીપણ ભાજપ માટે ઇમોશનલ મુદ્દો હોવાના પ્રશ્ન અંગે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અમે પોતાના મેનિફેસ્ટોમાં કહ્યું હતું કે આ મુદ્દો બંધારણીય રીતે ઉકેલવામાં આવશે. ભાજપે લોકસભાની ચૂંટણીઓના પોતાના ઢંઢેરામં જ કહી દીધું હતું કે ભાજપ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા માગે છે.
નોંધનીય છે કે, ગત થોડાક દિવસોમાં ભાજપમાં જ અને આરએસએસ દ્વારા એમ કહેવામાં આવી રહ્યું છે કે આરએસએસ સાથે જોડાયેલા કેટલાક સંગઠનો છેલ્લા થોડાક દિવસથી ત્રણ તલાાક પર જારી કરવામાં આવેલા વટહુકમની જેમ જ રામ મંદિરના નિર્માણ માટે પણ વટહુકમ જારી કરવાની માગણી કરી રહ્યા છે. ભાજપનો સહયોગી પક્ષ શિવસેનાએ પણ રામ મંદિર બનાવવા માટે વટહુકમની માગણી કરી છે. સંઘ પરિવાર સાથે જોડાયેલા સંગઠનોએ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવાનો મુદ્દો ઉકેલવામાં થઇ રહેલા વિલંબ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ત્રણ તલાક પર લાવવામાં આવેલા વટહુકમ સાથે રામ મંદિર મુદ્દાની સરખામણી અંગે પીએમ મોદીએ જણાવ્યું કે બંનેમાં અંતર છે. તેમણે કહ્યું કે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવી ગયા બાદ ત્રણ તલાક અંગે વટહુકમ લાવવામાં આવ્યો હતો. આ વટહુકમ પણ સુપ્રીમકોર્ટના આદેશ મુજબ જ લાવવામાં આવ્યો. વડાપ્રધાને અગાઉની સરકારો સામે રામ મંદિર મુદ્દાને અટકાવવાનો આરોપ મુકતા જણાવ્યું કે છેલ્લા ૭૦ વર્ષથી દેશમાં શાસન કરનારી સરકારોએ અયોધ્યા મુદ્દાને અટકાવવાનું કામ કર્યું છે.

નોટબંધી કોઈ ઝટકો ન હતો, લોકોને એક વર્ષ પહેલાં ચેતવણી આપવામાં આવી હતી : વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત નોટબંધી વિશે તેમનો અભિપ્રાય આપ્યો છે. એક ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે, નોટબંધી એ કોઇ ઝટકો નહોતો પણ એક વર્ષ પહેલા જ મેં કાળુ નાણુ રાખનારા લોકોને ચેતવણી આપી હતી. પણ કાળુ નાણુ રાખનારા માણસો એમ જ વિચારતા હતા કે મોદી પણ બીજા લોકોની જેમ જ વર્તન કરશે. આથી, બહુ ઓછા લોકોએ મારી ચેતવણીને ગંભીરતાથી લીધી અને સામેથી કાળુ નાણું જાહેર કર્યું.” નરેન્દ્ર મોદીએ નવેમ્બર ૮, ૨૦૧૬નાં રોજ અચાનક નોટબંધી જાહેર કરી હતી અને સમગ્ર દેશને અચંબામાં મુકી દીધો હતો. આ દરમિયાન, સોમવારે, નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં સ્વીકાર્યુ કે, નોટબંધીની દેશનાં લોકો પર શું અસર થઇ તેના વિશે કોઇ અભ્યાસ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને, નોટબંધી અને જીએસટીની અસર સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રોનાં લોકો પર લેવા અસર થઇ તેનો કોઇ અભ્યાસ સરકાર પાસે નથી. નોટબંધીનાં બે વર્ષ થયા ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, નોટબંધીને કારણે ટેકસ ભરનારા લોકોની સંખ્યા વધી છે. ટેક્સ કલેક્શન વધ્યુ છે. નોટબંધીનો મુખ્ય ઉદેશ્ય લોકો પાસે રહેલી રોકડ જપ્ત કરવાનો ઇરાદો નહોતો અને અર્થતંત્રને ફોર્મલ કરવાનો ઇરાદો હતો.” જો કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે નરેન્દ્ર મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી સરકાર યોજનાઓની નકલ કરવામાં ઉસ્તાદ છે અને કોંગ્રેસ સરકારની તમામ યોજનાઓની મોદી સરકારે નકલ કરી છે’ તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા આ દેશમાં વિવિધતામાં એક્તા સુત્રને સાર્થક કર્યુ છે અને દેશનાં સામાન્ય માણસોનાં ઉત્થાન માટે કામ કર્યુ છે. ભાજપ સતત કોગ્રેસ પર આક્ષેપ કરતા પુછે છે કે, કોંગ્રેસે તેના સમયમાં શું કામ કર્યુ ? મનમોહન સિંઘે ભાજપને જવાબ આપ્યો હતો. અને કહ્યું કે, ૨૦૦૪થી લઇ ૨૦૧૪ સુંધીમાં આ દેશમાં લોકોની આઠ ટકા આવક વધી. ૧૪૦ મિલીયન લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા અને અમે પાંચ લાખ ગામડાઓમાં વીજળી પહોંચાડી.”

વડાપ્રધાન મોદીએ વધુ સર્જીકલ સ્ટ્રાઈકનો સંકેત આપતા કહ્યું પાકિસ્તાનને સુધારવા માટે એક યુદ્ધ પૂરતું નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યુઝ એજન્સીને આપેલી એક મુલાકાતમાં કહ્યું કે, એક યુદ્ધથી પાકિસ્તાન સુધરી જશે તેવું વિચારવું એક મોટી ભૂલ હશે. પાકિસ્તાનને સુધરવા માટે હજુ ઘણો સમય લાગશે. વડાપ્રધાન મોદીએ ‘રીઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલના નોટબંધી બાદ અચાનક રાજીનામાની પણ વાત કરી હતી તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરી કહ્યું કે, જેઓ વિચારી રહ્યા છે કે, દેશનું પહેલો પરિવાર કે જેણે ૪૦ વર્ષ દેશ પર રાજ કર્યું તે આજે જમીન પર છે તેમજ નાણાંકીય ગોટાળામાં પણ સામેલ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉરી સેક્ટરમાં ૧૯ સૈન્ય જવાનો પર પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કરી શહીદ કર્યા બાદ ભારતે સરહદ પર ર૬ સપ્ટેમ્બર ર૦૧૬ના રોજ સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી જ્યાં ત્રાસવાદીઓ છૂપાયા હતા. જે વિપક્ષોના હંગામા બાદ આરોપીઓને જવાબ માટે રજૂ કરાયા હતા. નોટબંધી અંગે વડાપ્રધાને કહ્યું કે, કોઈ ઝટકો ન હતો. વર્ષ પહેલા કાળા નાણાં અંગે ચેતવણી અપાઈ હતી. ઉર્જીત પટેલે કહ્યું તેમણે સારૂં કામ કર્યું ર૦૧૪ની માફક ભાજપ વધુ બેઠકો મેળવી રાજકીય પંડિતોના દાવાને ખોટા પાડશે.

“હું પહેલી વખત જણાવું છું” વડાપ્રધાન મોદીએ ઉર્જિત પટેલ બાબત શું કહ્યું

રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી જણાવ્યું હતું કે, અંગત કારણો માટે રાજીનામું આપવા ઈચ્છે છે. આ પ્રકારની ઈચ્છા એમણે ડિસેમ્બર મહિનામાં નિવૃત્તિના ૬-૭ મહિના અગાઉ વ્યક્ત કરી હતી. મોદીએ આ માહિતી આજે આપેલ ઈન્ટરવ્યુમાં જણાવી હતી. મોદીએ કહ્યું ‘ગવર્નરે મને પોતે કહ્યું હતું કે, એ અંગત કારણો માટે રાજીનામું આપવા ઈચ્છે છે હું પ્રથમ વખત આ માહિતી આપી રહ્યો છું. એ મને ૬-૭ મહિનાઓથી કહી રહ્યા હતા. એમણે મને લેખિતમાં પણ જણાવ્યું હતું એમણે મને અંગત રીતે લખ્યું હતું. સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે નીતિઓ ઘડવા બાબત મહિનાઓથી સંઘર્ષ ચાલી રહ્યું હતું. જેનાથી અનુમાનો કરાતા હતા કે સામાન્ય ચૂંટણી પહેલા એ નિવૃત્ત થશે. રિઝર્વ બેંકની સ્વાયતત્તતાનો મુદ્દો મુખ્ય હતો જેના લીધે ઘર્ષણ થઈ રહ્યું હતું. મોદીને પૂછાયું કે શું એમની ઉપર રાજકીય દબાણો હતા કે એ રાજીનામું આપે, મોદીએ કહ્યું આ પ્રકારના કોઈ દબાણો નહતા. મોદીએ કહ્યું આ અંગે કોઈ પ્રશ્ન ઉદ્‌ભવતો જ નથી. હું કહી શકું છું કે પટેલે ગવર્નર તરીકે સારી કામગીરી બજાવી હતી.

રામ મંદિર અંગે વટહુકમનો પીએમનો ઇનકાર સંઘ માટે ભારે આંચકો, મોદી રાષ્ટ્રવાદના માર્ગે જ આગળ વધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૯ના પહેલા દિવસે જ એક ન્યૂઝ એજન્સીને આપેલા પોતાના ઇન્ટરવ્યૂમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે વટહુકમ લાવવાનો કરેલો ઇનકાર સંઘ માટે એક ભારે આંચકો છે. રામ મંદિર નિર્માણ કરવા માટે વટહુકમ લાવવાની સંભાવનાઓ પર તેમણે પૂર્ણવિરામ મુકી દીધો છે. તેમણે કહ્યું કે રામ મંદિર બંધારણીય રીતે જ બનશે. રામ મંદિર અંગે સંઘ અને ભાજપના કાર્યકરો તેમ જ નેતાઓને પીએમ મોદી પાસેથી મોટા નિવેદનની આશા હતી. તેમને લાગતું હતું કે છેલ્લા થોડાક સમયથી આ મુદ્દા પર મૌન ધારણ કરનારા તેમના વૈચારિક સૈનિક નરેન્દ્ર મોદી આ મુદ્દા અંગે મોટી જાહેરાત કરી શકે છે પરંતુ એવું ન થયું અને તેમણે બંધારણીય પ્રક્રિયાને જ સૌથી બહેતર માર્ગ બતાવ્યો. શું વડાપ્રધાનના આ નિવેદનથી સંઘ અને ભાજપના કાર્યકરો નારાજ થઇ શકે છે ? પરંતુ મોદીએ આ જોખમ લઇ લીધું છે. ત્રણ રાજ્યોમાં ભાજપના પરાજય બાદ નરેન્દ્ર મોદીને એવો અંદાજો થઇ ગયો છે કે રામ મંદિર હવે ભાજપને વોટ અપાવવાની તાકાત રાખતું નથી. આ મુદ્દાએ પોતાની ચમક ગુમાવી દીધી છે. ભાજપ અને સંઘના કાર્યકરો માટે આ મોટો મુદ્દો હોઇ શકે છે પરંતુ દેશના સામાન્ય લોકો માટે આ મુદ્દો અપ્રાસંગિક થઇ ગયો છે. પાકિસ્તાન સામે પ્રહાર અને નોટબંધીને દેશના હિતમાં ગણાવવાની બાબત આ પ્રયાસનો હિસ્સો છે. ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવેલા બધા મુદ્દા અંગે વડાપ્રધાનને પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે રામ મંદિરથી માંડીને સર્જિકલ સ્ટ્રાઇક અને ઉર્જિત પટેલથી માંડીને નોટબંધી સુધીના બધા મુદ્દા અંગે મુક્ત રીતે વાતો કરી છે.

પીએમ મોદીનો દંભ પરાકાષ્ટાએ : ત્રણ તલાક જાતીય સમાનતાનો મુદ્દો છે પરંતુ સબરીમાલા મંદિરનો મુદ્દો આસ્થાનો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ તલાક અને સબરીમાલાના મુદ્દા અંગે જણાવ્યું કે આ બંને અલગ બાબતો છે. મોટાભાગના ઇસ્લામી દેશોએ ત્રણ તલાક સામે પ્રતિબંધ લાદી દીધો છે, તેથી ત્રણ તલાક ધર્મ કે આસ્થાની બાબત નથી. આ જાતીય સમાનતાનો મુદ્દો અને સામાજિક ન્યાયનો મુદ્દો છે. આ આસ્થાનો મુદ્દો નથી. જ્યારે સબરીમાલા અને મંદિરો તેમની પોતાની આસ્થાનો મુદ્દો છે. ઉર્જિત પટેલના રાજીનામા અંગે વડાપ્રધાને પટેલનું અંગત કારણ બતાવ્યું અને સાથે જ કહ્યું કે ઉર્જિત પટેલ રાજીનામું આપે એવું સરકાર ક્યારેય ઇચ્છતી ન હતી. હું પ્રથમ વાર ઘટસ્ફોટ કરી રહ્યો છું કે રાજીનામું આપ્યાના ૬-૭ મહિના પહેલા પટેલ તેમને આ બાબતે કહ્યું હતું. ઉર્જિત પટેલ પર રાજીનામું આપવા માટે કોઇ રાજકીય દબાણનો પ્રશ્ન જ નથી. આરબીઆઇના ગવર્નર તરીકે તેમણે સારી કામગીરી કરી છે. ૨૦૧૯ની ચૂંટણીઓ અંગે વડાપ્રધાને કહ્યું કે આ ચૂંટણીઓ ‘જનતા વિરૂદ્ધ ગઠબંધન’ની થવાની છે.