(એજન્સી) ગુવાહાટી, તા.૪
કોંગ્રેસે વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો છે કે, તે આસામને ધાર્મિક અને ભાષાકીય આધારે વહેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસની આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે વડાપ્રધાને થોડાક કલાક પહેલાં જાહેરાત કરી કે નાગરિકતા ખરડો ટૂંક જ સમયમાં સંસદમાં પાસ કરવામાં આવશે.
રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ રિપુન બોરાએ પત્રકારોને જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ નથી જાણતી કે તે શું ઈચ્છે છે કારણ કે આસામ સમજૂતી અને નાગરિકતા (સંશોધન) ખરડો ર૦૧૬ એકસાથે લાગુ કરી શકાતો નથી. બોરાએ જણાવ્યું કે, મોદી આસામને ધાર્મિક અને ભાષાકીય આધારે વહેંચવા માટે આજે આવ્યા. તેઓ હિન્દુ બાંગ્લાદેશીઓને માત્ર વોટ બેંકના રાજકારણ માટે આસામ લાવવા ઈચ્છે છે. લોકસભા સાંસદે આ સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસના નેતા ખરડાના સંબંધમાં બંગાળી બહુમતી બરાક ઘાટી અને બાકી રાજ્યની વચ્ચે ‘‘બેવડા માપદંડ’’ અપનાવતા નથી. તેમણે જણાવ્યું કે, અમારા બરાક ઘાટીના નેતા અસમ સમજૂતી અનુસાર નાગરિકતા આપવી જોઈએ. તેનો અર્થ છે કે, ર૪ માર્ચ, ૧૯૭૧ પહેલા આવેલા તમામ લોકોનો સ્વીકાર કરવો જોઈએ.
બોરાએ જણાવ્યું કે, ખરડા માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થવાના એક દિવસ પહેલાં સોમવારે પોતાનો રિપોર્ટ સોંપશે. તેમણે જણાવ્યું કે, એક દિવસમાં કોઈપણ સંસદના બંને સદનોમાં ખરડો તૈયાર, તેની પર ચર્ચા, તેમજ તેને પાસ કરી શકાતો નથી.
નાગરિકતા ખરડા પર વડાપ્રધાન મોદીની ટિપ્પણી બાદ સ્થાનિક સંગઠનોનો ભાજપને હરાવવાનો આગ્રહ

(એજન્સી) ગુવાહાટી, તા.પ
આસામના બે મહત્ત્વપૂર્ણ સંગઠનોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણી પર સખત પ્રતિક્રિયા આપી અને રાજ્યના લોકોને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાનો આગ્રહ કર્યો છે. મોદીએ જાહેરાત કરી કે, વિવાદિત નાગરિકતા કાયદો-ર૦૧૬ સંસદમાં ટૂંક જ સમયમાં પસાર કરવામાં આવશે. ઓલ અસમ સ્ટુડન્ટસ યુનિયન (આસુ) અને કૃષક મુક્તિ સંગ્રામ સમિતિ (કેએમએસએસ)એ ખરડાને ‘બિનલોકતાંત્રિક’ અને ‘બિન બંધારણીય’ ગણાવ્યો હતો.
આસુએ જણાવ્યું કે, ખરડો સંસદમાં પસાર કરવામાં આવ્યો તો તેઓ કાયદાકીય લડાઈ શરૂ કરશે. આસુના મહાસચિવ લુરિનજ્યોતિ ગોગોઈએ સમાચાર એજન્સીઓને જણાવ્યું કે, ભાજપે આસામના લોકોની સાથે દગો કર્યો છે. આ ખરડો બંધારણના ધર્મનિરપેક્ષ તાણાવાણાને નુકસાન પહોંચાડશે.
આસુ ખરડાની વિરૂદ્ધ પ્રદર્શન કરતું રહ્યું છે. ગોગોઈએ જણાવ્યું કે, ભાજપ અત્યારે પણ નિરંકુશ અને બિન લોકતાંત્રિક રીતે આગળ વધી રહી છે. આ સમય મારો આગ્રહ છે કે, આસામના લોકોએ ભાજપને પાઠ ભણાવવો જોઈએ. કેએમએસએસને સલાહકાર અખિલ ગોગોઈએ જણાવ્યું કે, મોદીએ જાહેરાત કરી કે, બિન બંધારણીય અને બિન લોકતાંત્રિક ખરડો લાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સભામાં મોદીએ સ્પષ્ટ કહી દીધું કે તેઓ ર૦૧૯ની સંસદીય ચૂંટણી ભારત માટે નહીં પરંતુ વિદેશીઓ માટે લડશે.
જણાવી દઈએ કે ચાર જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ આસામના સિલચરમાં લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત કરી હતી. જનસભાને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે, સિટીઝનશીપ અમેંડમેન્ટ બિલ લાવવામાં આવ્યું છે. મને આશા છે કે, આ બિલ ટૂંક જ સમયમાં સંસદમાં પાસ થશે અને ભારત માતામાં આસ્થા રાખનારા તમામ લોકોના હિતોનું રક્ષણ થશે.
તેની સાથે જ વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, એનઆરસીની એક પ્રક્રિયા દરમિયાન તમને લોકોને ઘણી મુશ્કેલી થઈ છે જેનો મને આભાસ છે. તેમણે જણાવ્યું કે, સોનોવાલ સરકાર તમામ પડકારો થતા એનઆરસીને પૂરા કરવામાં જોડાયેલી છે. અમે એનઆરસીની પ્રક્રિયાને સરળ કરવા માટે સુપ્રીમ કોર્ટને પણ આગ્રહ કર્યો હતો.