(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
ગુજરાતમાં વૈશ્વિક વાયબ્રન્ટ સમિટમાં હાજરી આપવા પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આડકતરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે અનેક વર્ષો સુધી ગુજરાતના લોકો કેન્દ્રમાં સત્તાના સિંહાસને હોવા છતાં ગુજરાતને એઈમ્સ મળી ન હતી. આ સાથે તેમણે સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની વાત કરતાં કહ્યું કે અન્ય વર્ગોને મળતી અનામતની ટકાવારીને છેડછાડ કર્યા વિના આ અનામત અપાઈ છે અને દેશની ૯૦૦ યુનિવર્સિટી તથા ૪૦ હજાર કોલેજોમાં અનામત આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા.૭પ૦ કરોડના ખર્ચે બંધાયેલી અત્યાધુનિક પબ્લિક હોસ્પિટલનું આજે ઉદ્‌ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ દિવસની મુલાકાતે આવ્યાં છે. તેમના આગમનની અમદાવાદ અને ગાંધીનગરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી.
વીએસ હોસ્પિટલના ઉદ્ધાટન સમારોહમાં પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુંહતું કે આરોગ્ય ક્ષેત્રે આવનારા સમયમાં મોટી સંખ્યામાં રોજગારી મળી રહેશે. જેમાં ખાસ કરીને ડોક્ટર, નર્સ સહિત મેડિકલ સ્ટાફની માગ વધશે જેનો સીધો ફાયદો રાજ્યના યુવાનોને થશે. વડાપ્રધાન મોદીએ દેશમાં આર્થિક રીતે પછાત ગરીબ પરિવારને ૧૦ ટકા અનામતની જાહેરાત બાદ ગુજરાતે સૌથી પહેલા આ નવો કાયદો રાજ્યમાં લાગુ કર્યો તે બદલ અભિનંદન આપ્યા હતા. સાથે તેઓએ વીએસ હોસ્પિટલના ઉદઘાટન સમારોહમાં સંબોધન બાદ વડાપ્રધાન મોદી શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. અહીં તેઓએ વિવિધ સ્ટોલની મુલાકાત લઇને માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે મને જણાવવામાં આવ્યું કે ગુજરાતના અલગ-અલગ ભાગમાંથી સ્ટ્રીટ વેન્ડરથી લઇને શોપિંગ મોલ સુધીના વેપારીઓ શોપિંગ ફેસ્ટિવલમાં જોડાયા છે, હસ્તશિલ્પિઓથી લઇને ઇલેક્ટ્રોનિક્સ અને હોટેલ રેસ્ટોરાં સાથે જોડાયેલા કારોબારી પોતાના ઉત્પાદનોનો પ્રચાર-પ્રસાર કરવા અહીં આવ્યા છે. સામાન્ય રીતે મોટા બિઝનેસ સમિટની સાથે આ પ્રકારનું આયોજન આપણે વિદેશમાં જ જોતા આવ્યા છીએ, હવે વાયબ્રન્ટ ગુજરાતની સાથે જ અહમદાબાદ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત સરાહનીય છે.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરદાર પટેલ સુશાસનની સાથે સ્વચ્છતા અને જન આરોગ્ય માટે પણ સક્રિય હતા. જે શહેરની સરદાર પટેલે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી, જે શહેરમાં આવી હોસ્પિટલને જોઈને સરદાર સાહેબની આત્માને શાંતિ મળશે. ગુજરાતને આજે એક મોટી ભેટ મળી છે. આજે મને અત્યાધુનિક હોસ્પિટલ સોંપવાનું ભાગ્યા મળ્યું છે. ર૦૧૧-૧રમાં આ હોસ્પિટલ અંગેનો વિચારણ ચાલતો હતો ત્યારે અનેક ખોટી વાતો ચાલતી હતી. અગાઉ લોકો સરકારી હોસ્પિટલમાં જતા ડરતા હતા. આજે આ હોસ્પિટલમાં સારવાર લેવી એ એક લ્હાવો બનશે.
પ્રાઈવેટ હોસ્પિટલમાં સુખી સંપન્ન લોકો સારવાર મેળવી શકતા હતા. આજે આ હોસ્પિટલમાં ગુજરાત સહિત દેશ વિદેશના લોકોને પણ સ્વાસ્થ્ય સેવાનો લાભ મળશે. આ હોસ્પિટલ ગુજરાતના હેલ્થ સેકટરને મજબૂત બનાવશે. હોસ્પિટલમાં વિશ્વકક્ષાની તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા હેઠળ સેવા મળશે. ગરીબોને મફતમાં સારી સુવિધા મળશે.
એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ યોજનાથી પ૦ કરોડ ગરીબોને વિશ્વાસ થયો કે ગંભીર બીમારીમાં સરકાર તેની સાથે છે અને રૂપિયો ન હોય તો પણ સ્વસ્થ થઈ શકાશે. લોકોને ઉત્કૃષ્ટ સારવાર મળે તે માટે સરકારનો નિરંતર પ્રયાસ છે. આ હોસ્પિટલનો સમગ્ર ગુજરાતને લાભ મળશે.
હેલિપેડ ધરાવતી દેશની પ્રથમ એસવીપી અને પેપરલેસ હેાસ્પિટલના ઉદ્‌ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હોસ્પિટલના અલગ વિભાગોની માહિતી પ્રાપ્ત કરી હતી. હોસ્પિટલની મશીનરીની વિગતો મેળવી નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર્દીઓ માટે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. દર્દીઓને સુપર સ્પેશિયાલિટી સેવાઓ મળશે.