અમદાવાદ, તા.ર૪
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ૪૮થી વધુ મત ક્ષેત્રોના મતદારોને આકર્ષવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠ જાહેરસભાઓ કરશે. તા.ર૭ અને તા.ર૯ નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આઠ સભાઓ ગજવશે ત્યારે આ સભાઓના સમય અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ શુક્રવારે વડાપ્રધાનની આઠ સભાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા.ર૭ નવેમ્બરે ભૂજ-સવારે ૯ વાગ્યે, જસદણ સવારે ૧૧ વાગ્યે, ધારીમાં બપોરે ૧ વાગ્યે જ્યારે કામરેજમાં બપોરે ૩ વાગ્યે સભા યોજાશે. તેવી જ રીતે તા.ર૯ નવેમ્બરે મોરબીમાં સવારે ૯ વાગ્યે, સોમનાથના પ્રાચીમાં સવારે ૧૧ વાગ્યે, પાલીતાણામાં બપોરે ૧.૩૦ વાગ્યે અને નવસારીમાં સાંજે ૩.૩૦ વાગ્યે મોદી સભા યોજશે.