(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૬
છેલ્લા ૧૦ વર્ષથી કેમીકલ માફિયાઓ દ્વારા નદી, તળાવ, સરોવરોમાં ગેરકાયદેસર કેમીકલ નાંખી પ્રદુષિત કરતાં વાતાવરણને હાનિ પહોંચી રહી છે. જે અંગે પર્યાવરણ બચાવો સમિતિ દ્વારા પ્રધાનમંત્રીને ઇ-મેલ કરી રજૂઆત કરવામાં આવી છે.
પર્યાવરણ બચાવો સમિતિનાં દીપાસિંહ વીરપુરાએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૧૦ વર્ષથી કેમીકલ રાસાયણીક કંપનીઓએ વડોદરા શહેર તથા ગ્રામ્યને પ્રદુષિત કરી પાતાળના પાણી પણ પીવાલાયક રાખ્યા નથી. જેથી ખેડૂતોનાં પાક નિષ્ફળ જાય છે. નદી, તળાવ, સરોવરને પણ કેમીકલ છોડી પ્રદુષિત કરવામાં આવી રહ્યાં છે. આ અંગે જીપીસીબીને પણ અનેક રજૂઆતો છતાં આ કેમીકલ કંપનીઓ પર કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઇ-મેલ કરી માહિતી આપવામાં આવી છે. તથા તાત્કાલીક કેમીકલ કંપનીઓ દ્વારા ફેલાતા પ્રદુષણને રોકવા સૂચના આપવા રજૂઆત કરવામાં આવી છે. સાથે જ આ બનાવો સામે વિરોધ કરી આંદોલન કરનાર સામાજીક કાર્યકરોની પણ સુરક્ષા થાય તેવી રજૂઆત કરાઇ છે.