જામનગર, તા.૧૦
પછાત અને ગરીબ વિસ્તારમાં આવેલ વહેવારિયા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા-જામનગર (ગુજરાતમાં) અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓની વર્ષ ર૦૧પ-૧૬ અને ર૦૧૬-૧૭ની માઈનોરિટીની પ્રિ-મેટ્રીક સ્કોલરશીપ મંજૂર કરવા રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટના ચેરમેન વહાબ વહેવારિયા દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરાઈ છે.
પત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા સો વર્ષ થયા બાદ ગરીબ અને પછાત વિસ્તારમાં ધો.૧થી ૮મા અભ્યાસ કરતાં ૭૦૦ વિદ્યાર્થીઓને ખૂબ જ નજીવી ફીમાં ગુજરાતી અને ઈંગ્લિશ શિક્ષણ આપીએ છીએ. જેથી તેઓ ભણી-ગણીને સારા અને સનિષ્ટ ભારતીય નાગરિક બને. આપ તરફથી પછાત વર્ગના આવા ગરીબ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રીક લઘુમતી સમાજની સ્કોલરશીપ મળતી હતી તેથી તેઓને અભ્યાસમાં ખૂબ જ મદદ થતી હતી.
ર૦૧૩-૧૪માં ૪૧૯ વિદ્યાર્થીઓને ૯.૭૮ લાખ તથા વર્ષ ર૦૧૪-૧પમાં ર૯૮ વિદ્યાર્થીઓને ર.૬ર લાખ સ્કોલરશીપ મળી હતી, પરંતુ વર્ષ ર૦૧પ-૧૬ તથા વર્ષ ર૦૧૬-૧૭માં એકેેય વિદ્યાર્થીઓને હજી સુધી સ્કોલરશીપ મળેલ નથી તો આપ નમ્ર ભાવે આ પછાત વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા માઈનોરિટીના વિદ્યાર્થીઓને શક્ય એટલી ઝડપથી સ્કોલરશીપ પાસ કરવા અરજ કરવામાં આવી છે. આ કોપી મુખ્તાર અબાસ નકવી, નઝમા હેમતુલ્લા, ગુલાબખાન કે. રાઉમા, તોસીફખાન પઠાણ, હાજી હસન ભંડેરી, અ.ગફાર નાખુદા, રાજેશ્રીબેન (પ્રિન્સિપાલ વહેવારિયા સ્કૂલ)ને પણ રવાના કરવામાં આવી છે.