(એજન્સી) લખનૌ,તા.૧૯
સ્વતંત્ર્યતા દિવસના અવસરે યુપીના મદ્રેસાઓની વીડિયો ગ્રાફીના આદેશ બાદ યોગી સરકારે મદ્રેસાઓને લઈને વધુ એક વિચિત્ર આદેશ જારી કર્યો હતો. જે હેઠળ જિલ્લા લઘુમતી કલ્યાણ વિભાગે સંવાદ કાર્યક્રમ માટે મુસ્લિમ મહિલાઓને એકત્રિત કરવાની જવાબદારી મદ્રેસાઓને સોંપી હતી. પરંતુ મોદીના આગામી દોરા પહેલા મદ્રેસા શિક્ષકોની એક સંસ્થાએ તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ જિલ્લા લઘુમતી કલ્યાણ વિભાગે પોતાનો આદેશ પાછો લીધો છે. આ પાછળ તેમણે વિરોધ કરનાર સંસ્થાનો હવાલો આપ્યો છે. શિક્ષકોની સંસ્થાના વિરોધ બાદ પ્રશાસને પોતાનો આદેશ પાછો ખેંચી લીધો છે અને સોમવારની નિર્ધારીત બેઠક પણ રદ કરી છે. શિક્ષક સંઘ એસોસિએશન મદ્રેસા-એ-અરબિયાના મહાસચિવ દિવાન સાહેબ જમાનખાને કહ્યું કે રાજ્ય સરકારના આદેશનો વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે અમે શૈક્ષણિક સંસ્થા ચલાવી રહ્યા છે અને તેઓ ભાજપ અથવા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ (એમઆરએમ)ના કર્મચારી નથી. વડાપ્રધાનના કાર્યક્રમમાં સામેલ થવાને સુનિશ્ચિત કરવુ એ અમારી જવાબદારી ન હોવી જોઈએ. સ્થાનિક પ્રશાસને શુક્રવારે એક આદેશ આપ્યો હતો કે પીએમ મોદીના આગામી વારાણસી દોરામાં એક સંવાદ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ માટે પ્રત્યેક મદ્રેસાએ રપ મુસ્લિમ મહિલાઓની હાજરી સુનિશ્ચિત કરવાની હતી.