(એજન્સી) સમસ્તીપુર, તા. ૨૬
કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ન્યાય યોજનાને ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઇક ગણાવી હતી અને તેમણે ચેતવણી આપી હતી કે, મોદીની મદદથી અનિલ અંબાણીએ ચોરેલા નાણાની ભરપાઇ મધ્યવર્ગના નોકરીયાતોએ કરવી પડશે. કેન્દ્રની એનડીએ સરકાર પર નવા પ્રહાર કરતા રાહુલ ગાંધીએ નવું સૂત્ર બહાર પાડ્યું ‘કુછ નહીં સબ જુઠા હૈ, નરેન્દ્ર મોદીને લૂંટા હૈ’’. લોકસભા ચૂંટણીઓ જાહેર થઇ તે બાદથી પ્રથમવાર આરજેડી નેતા તેજસ્વી યાદવ સાથે બિહારના શહેરમાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, રાજદના સુપ્રીમો લાલુ યાદવ સાથે કરાતા વ્યવહારની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, ભાજપની આગેવાનીવાળી ગઠબંધન સરકારને ચૂંટણીઓમાં તેનું ભારે નુકસાન થશે. સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ન્યાય યોજનાના નાણા નરેન્દ્ર મોદીની મદદથી અનિલ અંબાણી જેવા ચોરોને અપાયેલા નાણાથી તેની ભરપાઇ કરવામાં આવશે અને તેમણે કહ્યું કે, આ નાણા દેશના મધ્યવર્ગના નોકરિયાત લોકોના છે. રાહુલ ગાંધીએ ચૂંટણીઓમાં ઉરી અને પુલવામા જેવા મુદ્દાઓ ઉછાળવા માટે વડાપ્રધાન મોદીની આકરી ટીકા કરી હતી. તેઓ જ્યાં ભાષણ આપવા જાય છે ત્યાં ટેલિપ્રોમ્પટર રાખે છે. તેઓ રોજગાર અંગે વાત નહીં કરવાના સતત આદેશ આપતા રહે છે. તેઓ દરેક ગરીબ ભારતીયના ખાતામાં રૂપિયા ૧૫ લાખ નાખવાના વાયદાને પણ યાદ નહીં રાખવા કહે છે. તેઓ જ્યાં જાય છે ત્યાં પુલવામા અને સર્જિકલ સ્ટ્રાઇક પર ભાષણ આપે છે કારણ કે તેમની પાસે કોઇ મુદ્દો જ નથી. તેમણે ફરી એકવાર જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો લોન નહીં ભરી શકનારા કોઇ પણ ખેડૂતને જેલમાં મોકલાશે નહીં તેની ખાતરી કરાશે. મોદી છેતરપિંડી કર્યા બાદ દેશ છોડીને ભાગી જનારા નીરવ મોદી અને વિજય માલ્યાને હંમેશા આવકારે છે પણ અમે સામાન્ય લોકો, ખેડૂતો અને કામ કરતા લોકો સાથે ઉભા છીએ અને તેમની મુશ્કેલીઓ અનુભવીએ છીએ.

‘એન્જિનમાં ખામી’ બાદ રાહુલ ગાંધીના વિમાનને પરત ફરવું પડ્યું : કોંગ્રેસ અધ્યક્ષે વીડિયો પોસ્ટ કર્યો

(એજન્સી) નવી દિલ્હી,તા.ર૬
રાહુલ ગાંધી આજે બિહારના સમસ્તીપુરમાં સવારે ૧૦-૩૦ વાગે જાહેરસભા સંબોધવાના હતા પણ વિમાનના એન્જિનમાં ખામી થઈ હોવાથી જાહેરસભાને મુલતવી રાખવી પડી. તેમણે લોકોને પડેલ તકલીફ બદલ માફી માંગી.
રાહુલ ગાંધીએ ટવીટ કરી જણાવ્યું કે પટણા જતાં વિમાનના એન્જિનમાં ખામી સર્જાત અમારે ફરજિયાત પણે દિલ્હી પાછું આવવું પડયું. આજે બિહારના સમસ્તીપુર, ઓડિશાની બાલાસોર અને મહારાષ્ટ્રની સોગામનેટની સભાઓ મોડેથી કરીશું, અગવડતા બદલ માફી માગું છું. ડીજીસીએ આ બાબતે નિયમો મુજબ તપાસના આદેશો આપ્યા છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું ગાંધીનું વિમાન હોકર ૮પ૦ એસ/પી એરક્રાફટ વીટી-કેએનબી ટેકનિકલ ખામીના કારણે પાછું ફર્યું હતું. એરક્રાફટ દિલ્હીમાં સુરક્ષિત આવ્યું હતું વિમાનમાં બે કર્મચારીઓ સાથે ૧૦ વ્યકિતઓ હતી. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં રાહુલ ગાંધીને લઈ જતા વિમાનને ઉડ્ડયન દરમ્યાન જ મુશ્કેલી ઉભી થઈ હતી. જેનું કારણ ટેકનિકલ હતું. એ વિમાન નવી દિલ્હીથી હુબલી જઈ રહ્યું હતું. એ ઘટનાની તપાસ પણ થઈ રહી છે. કારણ કે જાણી બુઝીને કોઈએ છેડછાડ કરી હોય એવી શકયતા નકારી શકાય નહીં. ત્રીજા પ્રયાસ પછી વિમાન હુબલીમાં ઉતરાણ કરી શકયું હતું.