અમદાવાદ,તા.ર૮
મધ્યપ્રદેશમાંથી ગુજરાતના લુણાવાડાના જંગલમાં જોવા મળેલા એક માત્ર વાઘની વનવિભાગ દ્વારા પુષ્ટિ કરવામાં આવ્યા બાદ મંગળવારની રાત્રીએ તે જ વાઘનો મહિસાગરના જંગલમાંથી મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું હતું. વનવિભાગના અધિકારીઓ અને ડોકટરો દ્વારા વાઘના કોહવાયેલા મૃતદેહનું પીએમ કરવા માટે ૩૦ જેટલા સેમ્પલો લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ વાઘનો અંતિમ સંસ્કાર રાષ્ટ્રીય સન્માન સાથે કરાયો હતો. વાઘનો પીએમ કરાયા બાદ પણ ડોકટરોની ટીમ વાઘના મોતનું પ્રાથમિક કારણ જાણવામાં નિષ્ફળ રહી હતી. જેથી લોકોમાં તર્કવિતર્ક સર્જાયા છે.
મંગળવારની રાત્રીએ મહિસાગરના જ સિગ્નલી નજીક આવેલા કતારના જંગલમાંથી અચાનક જ કોહવાયેલ હાલતમાં વાઘનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ વનવિભાગ દ્વારા વાઘનું ઘટના સ્થળે જ પેનલ પીએમ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જો કે ખુબ જ દુર્ગંધ મારતા વાઘના મૃતદેહના પી.એમ બાદ પણ ડોક્ટરોની ટિમ વાઘ ના મોતનું પ્રાથમિક કારણ જાણવામાં નિષ્ફળ નીવડી હતી. ડોક્ટર્સની ટીમના જણાવ્યા અનુસાર વાઘનું મોત અંદાજિત ૪ થી ૫ દિવસ પહેલા થયું હોવાથી આખું શરીર કોહવાઈ ગયું હતું. અને ખુબ જ દુર્ગંધ મારતું હતું જેથી ઘટના સ્થળે પી.એમ.કરવાની ફરઝ પડી હતી. મૃત વાઘની ફિઝિકલ ડેફિનેશનની વાત કરીએ તો તેની ઉંમર અંદાજિત ૬ થી ૭ વર્ષની આસપાસ હોઈ શકે છે. જેની ઊંચાઈ ૨૬૨ સેન્ટિમીટર જેટલી હતી.
મૃતદેહનું વજન કોહવાઈ જવાના કારણે ઓછું થઇ ૭૧ કિલો ૪૦૦ ગ્રામ જેટલું થઇ ગયું હતું. ડોક્ટર્સની ટીમ દ્વારા વાઘના શરીરના જુદા જુદા ભાગોમાંથી ૩૦ જેટલા સેમ્પલો લઈ અલગ અલગ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ વાઘના મોતનું સાચું કારણ જાણી શકાશે.
વાઘના મોતના મામલે વડોદરા વન વિભાગના સીસીએફએ ખુલાસો કરતા જણાવ્યું હતું જે વાઘનો મૃતદેહ મળી આવ્યો છે તે એજ વાઘ છે જે સંતના જંગલમાં નાઈટ વિઝન કેમેરામાં કેદ થયો હતો. આ નર વાઘ પહેલાના લોકેશનથી અંદાજિત ૧૫ કિલોમીટર ચાલીને કતારના જંગલમાં આવી ગયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સ્ટેટ હાઈ વે ક્રોસ કરી ને ક્યારે અને કેવી રીતે આ વાઘ કતારના જંગલમાં આવ્યો તે અંગે અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે.
સીસીએફએ વધુમાં જણાવ્યું હતું કે, વાઘના શરીરના તમામ અંગો સુરક્ષિત છે. અને હાલની પરિસ્થિતિ જોતા વાઘનું મોત શિકારના કારણે થયું હોય અથવા તેનો શિકાર કરવામાં આવ્યો હોય તેવું હાલ જણાતું નથી. જો કે પી.એમ. થયા બાદ પણ મોતનું પ્રાથમિક તારણ આપી શકાયું ન હતું. સ્થાનિકોના વાઘના પરિવાર હોવાના દાવાને સીસીએફ દ્વારા નકારી ન કાઢતા તે અંગે વધુ કેમેરાઓ લગાવી તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વાઘના પી.એમ બાદ ત્યાં જ તેના મૃતદેહનો રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
વાઘના મૃત્યુ અંગે હાલ પણ રહસ્ય અકબંધ છે ત્યારે વન વિભાગ આટલી ટેક્નોલોજી અને મેન પાવર નો ઉપયોગ કરવા છતાં ગુજરાત માં દેખાયેલ એક માત્ર વાઘ ની સુરક્ષા કરવા માં વામણું પુરવાર થયું છે ત્યારે આગામી સમય માં વાઘ ના પરિવાર ની તપાસ અંગે કેવી કાર્યવાહી અને પગલાં ભરવા માં આવે છે તે જોવું રહ્યું.