(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વડાપ્રધાનપદના ઉમેદવાર બનવાના હોવાની જાહેરાત કર્યાના બે દિવસોમાં જ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે ભાજપ અથવા આરએસએસનું સમર્થન નહીં ધરાવનાર કોઇ પણ ઉમેદવારને કોંગ્રેસ સમર્થન આપશે. આગામી વર્ષે વડાપ્રધાન તરીકે તૃણમૂલ કોંગ્રેસના વડાં મમતા બેનરજી કે બસપના સુપ્રીમો માયાવતીને કોંગ્રેસ સમર્થન આપશે કે કેમ ? એવું પત્રકારો દ્વારા પૂછવામાં આવતા કોંગ્રેસના સૂત્રોએ ઉપર મુજબ જવાબ આપ્યો હતો. ઉત્તર પ્રદેશ અને બિહારમાં ગઠબંધન નરેન્દ્ર મોદીને પરાજિત કરવામાં મહત્વનું હશે. કોંગ્રેસના સૂત્રો એવું માને છે કે એનડીએના વર્તમાન સહયોગીેઓ અને ભાજપના નેતાઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય કરવાની નિરંકુશ શૈલીથી કંટાળી ગયા હોવાથી જો ભાજપ આગામી સામાન્ય ચૂંટણીઓમાં ૨૮૦થી વધુ સીટ હાંસલ કરવામાં નિષ્ફળ નીવડે તો બીજીવાર વડાપ્રધાન બનવાનું નરેન્દ્ર મોદી માટે મુશ્કેલ હશે. દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સાંજે ્‌મહિલા પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું કે ભાજપ અને આરએસએસને હરાવનાર દરેક ઉમેદવારનું કોંગ્રેસ સમર્થન કરશે. મહિલા પત્રકારોએ રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે શું રાહુલ ગાંધી આગામી સામાન્ય ચૂંટણીઓમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)નાં વડા મમતા બેનરજી કે બહુજન સમાજવાદી પક્ષનાં અધ્યક્ષ માયાવતીને વડાપ્રધાનપદના ચહેરા માનશે કે કેમ ? આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ ઉપર મુજબ જણાવ્યું હતું. વડાપ્રધાનપદનો ઉમેદવાર કોણ હશે ? આ પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે તે સમય પરિસ્થિતિઓ કેવી હશે, તેના પર નિર્ભર હશે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીઓમાં રાહુલે પોતાની વ્યૂહરચનાના સંદર્ભમાં જણાવ્યું કે અમારો પ્રથમ એજન્ડા ઉત્તર પ્રદેશ અને બિહારમાં પોતાનો વિજય સુનિશ્ચિત કરવાનો હશે. બંને રાજ્યો લોકસભામાં ૨૨ ટકા સીટ નક્કી કરશે. તેમણે એવું પણ જણાવ્યું કે આ બંને રાજ્યોમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ દરેક પ્રકારના ગઠબંધન માટે તૈયાર છે. સાથે જ તેમણે આ વાત તરફ પણ ધ્યાન દોર્યું કે ભાજપના સહયોગી પક્ષો તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને શિવસેના પહેલા જ ભાજપ સામે પડેલા છે. આ બાબતને તેઓ કોંગ્રેસ માટે લાભ તરીકે જુએ છે. મહિલા પત્રકારો સાથેની વાતચીત અંગે કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં રાહુલ ગાંધી મહિલા પત્રકારો સાથે વાતચીત કરતા દેખાય છે. કોંગ્રેસે પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલથી ટિ્‌વટ કર્યું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાંજે મહિલા પત્રકારો સાથે મુલાકાત અને વાત કરી. આ મુલાકાત બહુ જ સારી રહી.