(એજન્સી) તા.ર૩
પૂર્વ નાણામંત્રી યશવંત સિંહાના મંતવ્ય પ્રમાણે હાલની સરકાર પંજાબ નેશનલ બેંક કૌભાંડમાંથી છટકી શકે નહીં. યશવંત સિંહાએ કહ્યું હતું કે, જ્યારે છેલ્લા ચાર વર્ષથી આપણે સત્તામાં હતા ત્યારે આ કૌભાંડ થયું હતું, આથી આપણે આ વિશેની જવાબદારીમાંથી છટકી શકીએ નહીં. નરેન્દ્ર મોદી સરકારના વિવેચક ગણાતા અને ભાજપના અનુભવી નેતા યશવંત સિંહાએ કહ્યું હતું કે આ કૌભાંડ પર થઈ રહેલી ભાજપ અને કોંગ્રેસની રાજકીય લડાઈમાં સત્ય મરી પરવાર્યું છે. ૧૪ જાન્યુઆરીએ ભારતમાં દ્વિતીય ક્રમાંક ધરાવતી જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંકે જાહેર કર્યું કે લેટર ઓફ અન્ડરસ્ટેડિંગ દ્વારા ૧.૭૭ બિલિયન ડોલરનું કૌભાંડ કરવામાં આવ્યું છે. આ કેસમાં તપાસ કરી રહેલી એજન્સીઓ દ્વારા પંજાબ નેશનલ બેંકના ૧ર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ યશવંત સિંહાનું કહેવું છે કે, આટલા મોટા પ્રમાણમાં આચરવામાં આવેલું કૌભાંડ ફકત કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યું હોય એ વાત અશક્ય છે. તેમણે કહ્યું હતું કે, સિસ્ટમમાં ઉચ્ચ સ્તરે રહેલા લોકોની વાત કરું છું ત્યારે તેમાં રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે. સિંહાએ કહ્યું હતું કે, આ કૌભાંડમાં સંડોવાયેલા લોકોને સજા થાય તે માટે સુપ્રીમકોર્ટના નિરીક્ષણમાં તપાસ કરાવવી જરૂરી છે.