(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
પંજાબ નેશનલ બેંકમાં લગભગ ૧૧,૩૦૦ કરોડ રૂપિયાથી વધુના મહાકૌભાંડનો ખુલાસો થયા બાદ ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન મોદી પર હુમલો કર્યો છે. સિંહાએ મોદી સરકારની મજાક ઉડાવતા કહ્યું કે, આભાર એમણે પટાવાળાને જવાબદાર ઠેરવ્યો નથી તેને જવા દીધો. બીજેપી સાંસદે પીએમ મોદી પર શાયરાના અંદાજમાં ટ્‌વીટ કરી કે આપણા વિદ્ધાન સાથીઓએ નહેરૂના શાસનકાળથી કોંગ્રેસના કુશાસન સુધી તમામને દોષિત ઠેરવ્યા બાદ કહ્યું કે, પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડ માટે ઓડિટર જવાબદાર છે. ભગવાનનો પાડ છે. એમણે પટાવાળાનું નામ લીધું નથી એને છોડી દીધો. શત્રુઘ્ન સિંહાએ અન્ય ટ્‌વીટમાં શાયરીમાં લખ્યું કે, ‘‘તું ઈધર-ઉધર કી બાત ન કર, યે બતા કી કાફિલા ક્યોં લૂંટા… મુજે રહજનો સે ગિલા નહીં, તેરી રહબરીકા સવાલ હૈ’’ આ સાથે જ તેમણે ટ્‌વીટમાં આગળ લખ્યું કે શું અમને કોઈ જવાબ મળશે. સર… સંપૂર્ણ સન્માન સાથે કહેવા માંગું છું. તાળી કેપ્ટનને તો ગાળો પણ કેપ્ટને…! અહેવાલ મુજબ બીજેપી નેતા શત્રુઘ્ન સિંહાનો કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીના તાજેતરના નિવેદન તરફ સંકેત કરે છે. ઉલ્લેખનીય છે કે, નાણામંત્રી જેટલીએ પીએનબી કૌભાંડ મુદ્દે ઓડિટિંગ વ્યવસ્થાને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે કાં તો સિસ્ટમમાં બેદરકારીથી કામ લીધું છે અથવા સિસ્ટમની ગરબડો તરફ દુર્લક્ષ્ય સેવાયું છે. નોંધનીય છે કે, શત્રુઘ્ન સિંહાએ આ અગાઉ કહ્યું હતું કે આદરણીય વડાપ્રધાન તમારા મુજબ જો અગાઉની સરકારમાં કૌભાંડો થયા છે તો તમારી સરકાર દોષિતોને સજા આપવાને બદલે તેમને સન્માન સાથે કેમ મુક્ત કરી રહી છે, એમણે ટ્‌વીટ કરી હતી કે હે પ્રધાનસેવક, હે પ્રધાન રક્ષક ! વતનના ચોકીદાર ! જે લોકોએ ધોળા દિવસે કૌભાંડો કર્યા તેઓ ભારતમાંથી એક પછી એક કરી ભાગી ગયા. વાહ જી વાહ ! બલ્લે બલ્લે ! ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીના સભ્ય શત્રુઘ્ન સિંહાએ તાજેતરમાં પીએનબી મહાકૌભાંડના નિરવ મોદીની દાઓસ ખાતેની વર્લ્ડ ઈકોનોમિક સમિટમાં પ્રતિનિધિ મંડળ વચ્ચેની હાજરી અંગે વડાપ્રધાન મોદીને પ્રશ્ન કર્યો હતો. દેશ હાલમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. તેના માટે અગાઉની કોંગ્રેસની સરકારો અને ભારત-પાકિસ્તાન ભાગલા માટે જવાહરલાલ નહેરૂ પર આક્ષેપ કરવા બદલ શત્રુઘ્ન સિંહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી.