(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં લગભગ ૧૧,૩૦૦ કરોડ રૂપિયાથી વધુના મહાકૌભાંડના ખુલાસા બાદ ભારતીય જનતા પાર્ટીના સાંસદ શત્રુઘ્નસિંહાએ પીએનબી અને નિરવ મોદીના કૌભાંડ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. અહેવાલ મુજબ શત્રુઘ્નસિંહાએ ટ્‌વીટર પર લખ્યું કે, આદરણીય પ્રધાનમંત્રીજી, તમારા અનુસાર જો અગાઉની સરકારમાં કૌભાંડો આચરાયા હતા તો તમારી સરકારમાં એમને સજા આપવાને બદલે સન્માન સાથે કેમ મુક્ત કરવામાં આવ્યા ? સિંહાએ ટ્‌વીટમાં કહ્યું કે હે પ્રધાન સેવક, હે પ્રધાન રક્ષક, વતનના ચોકીદાર જે લોકોએ ધોળા દહાડે કૌભાંડો કર્યા તેઓ એક-એક કરીને ભારત છોડી ભાગી ગયા વાહ જી વાહ ! બલ્લે બલ્લે ! તેમણે વધુમાં કટાક્ષ કરતાં ઉમેર્યું કે દેશન પ્રથમ વડાપ્રધાન નહેરૂજીને શું આપણે એર ઈન્ડિયા એરલાઈનના આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન માટે દોષ આપી શકીએ છીએ. ઉલ્લેખનીય છે કે શત્રુઘ્નસિંહા કેટલાક મુદ્દાઓ પર પાર્ટી અને પીએમ મોદીની ટીકા કરતા રહે છે. નવે.માં તેમણે પીએમ મોદી, નાણામંત્રી અરૂણ જેટલી અને સૂચના તેમજ પ્રસારણ મંત્રી સ્મૃતિ પર નિશાન સાધ્યું હતું. શત્રુઘ્ન સિંહાએ જદયુ નેતા શરદ યાદવ અને માકપા મહાસચિવ સીતારામ યેચુરી સહિત વિપક્ષના ઘણા વરિષ્ઠ નેતા સાથે મંચ પર ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, જો એક વકીલ નાણામંત્રી બની શકે છે. એક ટીવી સેલિબ્રિટી માનવ સંસાધન વિકાસમંત્રી બની શકે છે અને એક ચા વાળો પ્રધાનમંત્રી બની શકે છે… તો પછી હું આ મુદ્દાઓ પર કેમ બોલી શકતો નથી ?