(એજન્સી) જયપુર, તા. ૨૦
ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ અને ફિચે પંજાબ નેશનલ બેંકને રેટિંગને લઇ ચેતવણી જારી કરી છે. બંને રેટિંગ એજન્સીએ પીએનબીમાં થયેલા ૧૧,૪૦૦ કરોડના કૌભાંડ બાદ રેટિંગ ઘટાડવા માટે વિચારણા કરી છે. પીએનબી ગોટાળો દેશના બેેકિંગ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. મૂડીઝે પીએનબીની રિટિંગ ઘટાડવાના ત્રણ કારણ ગણાવ્યા છે. પ્રથમ એ કૌભાંડને કારણે બેંક પર પડનારી નાણાકીય અસર, બીજું બેંકનું મેનેજમેન્ટ કેવી રીતે કેપિટલાઇઝેશનને લઇ પગલાં લે છે અને ત્રીજું આરબીઆઇ અન્ય રેગ્યુલેટ બેંકો વિરૂદ્ધ કેવી રીતે પગલાં લેશે.
રેટિંગ એજન્સી ફિચે પીએનબીની રેટિંગને વોચ નેગેટિવમાં કરી દીધી છે. તેનો અર્થ એ થાય છે કે, પંજાબ નેશનલ બેંકની રેટિંગને ઘટાડી શકાય છે. ફિચ તરફથી બહાર પડાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, ફિચે પંજાબ નેશનલ બેંકની વાયબિલિટી રેટિંગ બીબીને રેટિંગ વોચ નેગેટિવમાં રાખ્યું છે. પીએનબીમાં મોટી છેતરપિંડી સામે આવ્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. વાયબિલિટી રેટિંગ ફાઇનાન્શીયલ ઇન્સ્ટીટ્યુશનની સાખને આંકે છે અને એ જુએ છે કે, ફિચ અનુસાર કોઇ સંસ્થાનના નિષ્ફળ જવાની કેટલી સંભાવના છે. રેટિંગ વોચ નેગેટિવનો અર્થ એ છે કે, પીએનબીની વાયબિલિટી રેટિંગને ઘટાડી શકાય છે. ફિચે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, જ્યારે પીએનબીની નાણાકીય સ્થિતિ અને બેંક સિસ્ટમને લઇ સ્થિતિ સ્પષ્ટ થઇ જશે તો ફિચ રેટિંગ વોચ પર નવેસરથી વિચારણા કરશે. ફિચે કહ્યું છે કે, છેતરપિંડીની ઘટનાથી બેંકની સાખને આંચકો લાગ્યો છે અને કેપિટલ માર્કેટ પર પણ અસર પડી છે. ફિચે કહ્યું છે કે, અમે પીએનબીની સંપૂર્ણ લાયબિલિટી, સંભવિત રિકવરી અને બેંક આંતરિક અને બહારના સ્ત્રોતથી કેટલી નવી મૂડી એકઠી કરી શકે છે આ તમામ બાબતોની દેખરેખ કરશે. તેના આધારે નિર્ણય કરવામાં આવશે કે, બેંકની હાલની વાયબિલિટી રેટિંગ જાળવી રાખવા લાયક છે કે નહીં.