(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
પંજાબ નેશનલ બેંક (PNB)નું સાડા તેર હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરીને ભારતમાંથી ભાગી ગયેલ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીએ ભારતની નાગરિકતા છોડી દીધી છે. આ સાથે જ મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણના પ્રયત્નોને ભારે આંચકો લાગ્યો છે. ચોકસીએ એન્ટિગા હાઈકમિશનમાં કેન્સલ્ડબુક સાથે ભારતીય પાસપોર્ટ જમા કરાવી દીધું છે. ભારતીય નાગરિકત્વ છોડવા માટે તેમણે ૧૭૭ યુએસ ડોલરનો ડ્રાફ્ટ પણ જમા કરાવ્યો છે. ચોકસીના પ્રત્યાર્પણ માટે હવે ભારત સરકાર ક્યો માર્ગ અપનાવશે એ જોવું રહ્યું. વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અમિત નારંગે ગૃહમંત્રાલયને આ અંગે માહિતી આપી છેે. ભારતની નાગરિકતા છોડવા મેહુલ ચોકસીએ હાઈકમિશને એન્ટિગાનું નાગરિકત્વ સ્વીકાર્યું છે અને ભારતની નાગરિકતા નિયમો હેઠળ છોડી હોવાનું જણાવ્યું છે. મેહુલ ચોકસીએ પ્રત્યાર્પણથી બચવા ભારતીય નાગરિકતા છોડી હોવા મુદ્દે એન્ટિગા કોર્ટમાં રર ફેબ્રુ.ના રોજ સુનાવણી થશે. વડાપ્રધાન કાર્યાલયે વિદેશમંત્રાલય અને તપાસ એજન્સીઓ પાસેથી આ મામલામાં પ્રગતિનો અહેવાલ માંગ્યો છે.